ભારતમાં કોવિડ 19ને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકાર હવે ગંભીરતાથી પગલા લઈ રહી છે. 15 દિવસથી ભારતમાં કોરોના સંક્રમણની તેજ ગતિ સાથે વધેલા મૃત્યુદરથી સર્વત્ર અરાજકતાનો માહોલ છે. આ સાથે જ દેશમાં ઓક્સિજન, દવા તથા ઈન્જેકશનની તંગી સરકાર માટે મોટો પડકાર છે. આ જ સમયે હવે હોસ્પિટલમાં સ્ટાફની પૂર્તતા કરવી પણ મહત્વની બાબત છે. તેથી સરકારે એક મોટો નિર્ણય સોમવારે લીધો હતો. પ્રધાનમંત્રી મોદીએ કોવિડ-19 સામેના જંગમાં તબીબી કર્મચારીઓની ઉપલબ્ધતામાં વધારો કરવા સઘન વિચારણા એક બેઠક દરમિયાન કરી હતી. બેઠક બાદ પીએમઓ દ્વારા એક નિવેદન પણ જારી કરાયું હતુ. આ નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, દેશમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને NEET-PG 2021 પરીક્ષાને આગામી ચાર મહિના સુધી મુલત્વી રખાઈ છે. આ સાથે જ હવે NEET-PGની પરીક્ષા આપવા જઈ રહેલા તાલીમાર્થીઓને દેશની આરોગ્ય સેવામાં જોતરાશે. જેથી કોવિડ-19 ફરજ માટે મોટી સંખ્યામાં લાયક ડોકટરો ઉપલબ્ધ થશે.
મોદીએ આરોગ્ય ખાતુ અને મેડિકલ શિક્ષણ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજીને આ નિર્ણય કર્યો હતો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ તબીબી તાલીમાર્થીઓને તેમની ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ-19ની વ્યવસ્થાના સંચાલન માટે તૈનાત કરવામાં આવશે. જેમાં એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડ-19 ચેપગ્રસ્ત લોકોને ટેલિકમ્યુનિકેશન માધ્યમ દ્વારા ફેકલ્ટીની દેખરેખ હેઠળ સલાહ આપવાની અને ચેપગ્રસ્ત લોકોની આરોગ્યની દેખરેખની જવાબદારી સોંપાઈ શકે છે. આ સાથે જ કોવિડ-19ની ફરજમાં 100 દિવસ પૂરા કરનારાઓને નિયમિત સરકારી ભરતીમાં પ્રાથમિકતા અપાશે. બીએસસી અથવા જીએનએમ પાસ થયેલી નર્સોને સિનિયર ચિકિત્સકોની દેખરેખ હેઠળ કોવિડ-19 સંબંધિત નર્સિંગ ફરજો પર પૂર્ણ-સમય માટે કામ સોંપાશે. જયારે મેડિકલ ઇન્ટર્નને પણ ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ મેનેજમેન્ટમાં પોસ્ટિંગ અપાશે. મોદીએ લીધેલા એક મહત્વના નિર્ણય પ્રમાણે પ્રધાનમંત્રીનો પ્રતિષ્ઠિત કોવિડ રાષ્ટ્રીય સેવા એવોર્ડ માટે પણ કોવિડ-19માં 100 દિવસ ફરજ બજાવનારા તબીબી કર્મચારીઓની જ પસંદગી કરવાની જાહેરાત પીએમઓના નિવેદનમાં કરાઈ હતી.