ભારતમાં કોરોનાની વકરી ચુકેલી પરિસ્થિતિ અને તેની સામે ટાંચી આરોગ્ય સુવિધાને કારણે દરરોજ હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોનના આગમનના સવા વર્ષ પછી દેશમાં સ્થિતિ એવી છે કે, દવા, ઈન્જેકશન અને ઓકસિજન માટે ખુદ દર્દીએ જ ભટકવું પડે છે. સરકારી આરોગ્ય સુવિધા તો ઠીક ખાનગી સારવાર લેવા માટે પણ ફાંફા પડી રહ્યા છે. ઓક્સિજનની તથા તેને સંલગ્ન સાધનોની અછતને પગલે કેન્દ્ર સરકારે શનિવારે મહત્વનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાનના નેતૃત્વમાં મળેલી ટોચના અધિકારીઓ અને કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બાદ આ વિશે જાહેરાત કરાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારે ઓક્સિજન અને તેના ઉપકરણો ઉપર ત્રણ મહિના સુધી કસ્ટમ ડયૂટી અને હેલ્થ સેસ માફ કરી દીધા હતા. ત્રણ મહિના સુધી આયાત થતાં ઓક્સિજન તથા તેના સંલગ્ન ઉપકરણો અને વેક્સિન ઉપર બેઝિક ડયૂટી માફ કરી દેવાઈ છે. આ ઉપરાંત વેક્સિનની આયાતની છૂટ આપવામાં આવી છે. આવા સાધનોની આયાત માટે ઝડપી કસ્ટમ્સ ક્લિયરન્સ આપવા પણ આદેશ અપાયો છે. કોરોનાની વેક્સિનની આયાત પરની કસ્ટમ્સ ડયુટી પણ ૩ મહિના માટે રદ કરાઈ છે. આ સાથે જ મોદીએ રેવન્યૂ ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યા છે કે કોરોના સાથે સંકળાયેલી દવાઓ કે ઇક્યૂપમેન્ટ્સ વગેરેને ઝડપથી ક્લિયરંસ આપવામાં આવે.
હાલ દરેક મંત્રાલયોએ એકબીજાની સાથે તાલમેલથી કામ કરવાનું રહેશે તેવો આદેશ પણ મોદીએ આપ્યો હતો. ઓક્સિજન અને તેની સાથે સંકળાયેલી આશરે ૧૬ જેટલી વસ્તુઓ પરથી કસ્ટમ ડયૂટી હટાવાતા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, ફ્લો મિટર, રેગ્યૂલેટર, કનેક્ટર્સ, ટયૂબિંગ, ઓક્સિજન કેનિસ્ટર, ફિલિંગ સિસ્ટમ, સ્ટોરેજ ટેંક્સ, સિલિન્ડર્સ, ટેંક વગેરેના દર ઘટી જશે. સુત્રોના જણાવ્યા મુજબ મેડિકલ ગ્રેડ ઓક્સીજન, ઓક્સીજન કોન્સનટ્રેટર તેમજ ફ્લો મીટર રેગ્યુલેટર કનેકટર્સ અને ટયુબિંગ, વેક્યુમ પ્રેશર સ્વિંગ એબ્સોર્બર્સ, પ્રેશર સ્વિંગ એબ્સોર્પ્શન ઓક્સીજન પ્લાન્ટ તેમજ લિક્વિડ તેમજ ગેસ બનાવતા ક્રાયોજેનિક એર સેપરેશન યુનિટ્સ પરથી ડયૂટી હટાવાઈ છે.