કાન્હાના આગમન સાથે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ફરી એક વખત ચોમાસુ સક્રિય થયું છે. રાજ્યમાં લગભગ એક મહિનાથી વરસાદની રાહ જોવાતી હતી. લોકો ગરમી અને ભેજથી પરેશાન હતા. તે જ સમયે, ખેડૂતો તેમના કૃષિ પાકો માટે ચિંતિત હતા. લાંબા સમય સુધી વરસાદ ન પડવાના કારણે રાજ્યના મોટાભાગના ડેમ ખાલી થઈ ગયા છે. ઘણા ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં બંગાળની ખાડીમાં સક્રિય ઓછા દબાણને કારણે હવામાન વિભાગે ગુજરાતમાં ઓગસ્ટના છેલ્લા દિવસે અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ સોમવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદના સમાચાર છે.
જન્માષ્ટમી નિમિત્તે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં બપોર બાદ અચાનક વાતાવરણ બદલાયું અને ભારે વરસાદ શરૂ થયો. ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં વેજલપુર, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, બોપલ, બોડકદેવ, ઘુમામાં વરસાદના કારણે લોકોને ગરમી અને ભેજમાંથી રાહત મળી છે. અમદાવાદમાં મણિનગર, ખોખરા, અમરાઇવાડી, ઓઢવ અને નિકોલમાં પણ વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી પંચમહાલ, ખેડા, વડોદરા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, નર્મદા અને ભરૂચમાં વરસાદ પડી શકે છે.
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આણંદ અને ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. 1 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થશે. 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદની અપેક્ષા છે.