મુંબઇમાં શનિવારે સાંજથી મેઘરાજાએ ભારે ધબડાટી બોલાવતા શહેરના મોટાભાગના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન ચેમ્બૂરના વાસી નાકા વિસ્તારમાં લેંડ સ્લાઇડ સાથે મકાન તૂટી પડતાં 11 લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે રાહત અને બચાવ ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી. બીજી તરફ દિલ્હીમાં રવિવારે ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને સતર્ક રહેવા સુચના અપાઈ છે. શનિવારે સાંજથી મુંબઈમાં શરુ થયેલા મૂશળાધાર વરસાદે આખા શહેરમાં પાણી જ પાણી કરી દીધું છે. મુંબઈમાં શનિવારે મોડી રાત્રે ભારે વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભાંડુપમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના ઘટી હતી. રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં અને ભારે વરસાદના લીધે હજારો લોકોને પોતાના ઘરે પરત જવામાં મુશ્કેલી સર્જાઈ હતી. સિયોન વિસ્તાર અને ગાંધી માર્કેટમાં પાણી ભરાઇ ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાને પગલે ઠેર-ઠેર બીએમસીના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને લોકોને આગળ ખતરો વધી શકે છે એટલા માટે સાવધાની રાખો તેવી સલાહ આપી હતી. વરસાદના લીધે રેલના પાટાઓ પર પણ પાણી ભરાઇ ગયા છે.
એટલે કે આજે લોકલ ટ્રેનની અવરજવર પ્રભાવિત થશે. જયારે ભારે વરસાદને કારણે ભાંડુપમાં દીવાલ ધરાશાયી થવા ઉપરાંત કાંદિવલીની ઘણી દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને કારણે ચેમ્બૂરના વાસી નાકા વિસ્તારમાં લેંડ સ્લાઇડ થતા 4-5 ઈમારતને નુકસાન થયું હતુ. આ સમયે એક મકાન જમીનદોસ્ત થઈ જતાં અનેક લોકો કાળમાળ નીચે દબાઇ ગયા હતા. ઘટનાની જાણ કરાતા તંત્રની ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતુ. સવારે 7 વાગ્યા સુધીમાં એનડીઆરએફની ટીમે 11 લાશોને કાટમાળ નીચેથી બહાર કાઢી હતી. મૃતકોમાં એક મહિલા પણ સામેલ છે. સુત્રોના જણાવ્યા મુજબ કાટમાળ નીચે હજુ 6થી 8 લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. આ ઉપરાતં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આખી રાત લોકો ઘરમાંથી પાણી ઉલેચવામાં લાગ્યા હતા. અંધેરી અને આસપાસના નિચલા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાના અહેવાલો છે. દાદર વિસ્તારમાં તો બેસ્ટની બસો અડધાથી વધુ ડુબી ગઈ હતી. બીજી તરફ રવિવારે રવિવાર રજાનો દિવસ હોવાથી તંત્રને થોડી રાહત રહેશે. કારણ કે, આ દિવસે લાખો લોકોને રજા હોય છે. દરમિયાન રાજધાનીમાં રવિવારે ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સાંજે વાદળો છવાયેલા રહેવા અને હળવા વરસાદ અથવા ગરજની સાથે વરસાદ થઈ શકે છે. દિવસે મોટાભાગનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. શહેરમાં મંગળવારે મોનસૂનનો પ્રથમ વરસાદ થયો હતો.