ગુરુવારે મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મુંબઇ, સાંગલી, અકોલા વગેરે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયા છે. વરસાદને કારણે જનજીવન ઠપ થવા સાથે માર્ગ વ્યવહાર સંપૂર્ણ પણે ખોરવાઈ ગયો હતો. જયારે હજારો ગામોમાં વીજપુરવઠો પણ ખોરવાયો હતો. ઘટનાને પગલે ઉદ્ધવ સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી. કેન્દ્ર દ્વારા એનડીઆરફની સાત ટુકડીઓ મહારાષ્ટ્ર મોકલાઈ હોવાના અહેવાલો છે. હવામાન વિભાગે કોંકણ કાંઠા પર આગામી ત્રણ દિવસ માટે રેડ અને ઓરેંજ એલર્ટ જારી કર્યું છે. મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રમાં ગુરુવારે સવારથી જ મેઘરાજાએ તોફાની સવારી કરતા આખા રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે મોટાભાગની નદીઓ બેકાંઠે વહેવા માંડી છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વરસાદને લગતી ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. મુંબઇ નજીકના પાલઘર અને થાણે જિલ્લામાં બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતુ. આ જિલ્લામાં નદીઓ જ નહીં પરંતુ ગામડાઓમાં પણ વરસાદી પાણીને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. વરસાદને કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી. મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં સેંકડો લોકો પાણીમાં ફસાઈ જતાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમોએ લોકોને ઉગાર્યા હતા. બીજી તરફ અમરાવતીની સૌથી મોટી નદી સિપણાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. આમ તો રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. પૂરને કારણે મહારાષ્ટ્રના ઘણા ગામોનો મુખ્ય મથકો સાથે સંપર્ક તૂટી ગયો છે. 24 કલાક સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ પણ લોકોના ઘરોમાં પાણી ભરાયા છે.
એડમિનિસ્ટ્રેશનની ટીમો સતત બચાવ કામગીરીમાં જોતરાય છે. રાજ્યમાં એરફોર્સ-નેવીની સાથે એનડીઆરએફ ટીમોને પણ બચાવ કાર્ય માટે મોકલવામાં આવી છે. ઘટનાને પગલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હરકતમાં આવી પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ સાથે જ રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ વરસતા તંત્રને એલર્ટ કરાયું હતુ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 22 જુલાઇએ રત્નાગિરી અને રાયગઢ જિલ્લામાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્ય પ્રધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી અને અન્ય સંબંધિત વિભાગોને સજાગ રહેવા નિર્દેશ આપ્યા હતા.