ગુજરાતમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાના વિધિવત આગમન બાદ મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો. જેને કારણે ખેડૂતો અને સરકારની ચિંતા વધી હતી. જો કે, જુલાઈના બીજા અઠવાડિયાથી હવે રાજ્યમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૃ થયું છે. હવે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 20.09 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ચોમાસાની આ વર્ષની સીઝનમાં કચ્છમાં સીઝનનો સરેરાશ 23.29 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 17.87 ટકા, મધ્ય ગુજરાતમાં 18.86 ઈંચ, સૌરાષ્ટ્રમાં 19.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 19.46 ટકા જેટલો વરસાદ થયો છે.છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં અમદાવાદ ઉપરાંત વલસાડ જિલ્લો ભીંજાયો હતો. અમદાવાદમાં થયેલા વરસાદને લીધે ગલીઓ અને રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. ગુરવારે સવારે ગીર-સોમનાથમાં વેરાવળમાં 2 મિમી, સુત્રાપાડામાં 3 મિમી અને સાબરકાંઠાના વિજયનગરમાં 2 મિમી વરસાદ થયો હતો. રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે.
દરમિયાન બુધવારથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. હવામાન વિભાગના દાવા મુજબ દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. આવા સંજોગોમાં માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના જારી કરી દેવાઈ હતી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રમાં શુક્રવારે વરસાદ થઈ શકે છે.