ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની શરૃઆત થયાને 25 દિવસ વીતી જવા છતાં ચોમાસાની સીઝન હજી જામી નથી. હવે બે સપ્તાહના બ્રેક પછી 10મી જુલાઇથી ગુજરાતમા સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જૂનથી શરૃ થયેલી ચોમાસાની ઋતુમાં વરસાદની શકયતાઓ છતાં તે ન પડતાં ખેડૂતોના બિયારણ પાણી વિના બળી રહ્યાં છે. રાજ્યમાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલી વરસાદ વગર વધી રહી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 15 ટકા જેટલો જ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. હવે હવામાન વિભાગે જુલાઇ અને ઓગષ્ટમાં ચોમાસી જામવાની શકયતા જણાવી છે. આગાહી પ્રમાણે 10મી જુલાઇ પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોથી પાણીથી તરબતર થઈ જશે. બંગાળની ખાડીમાં લાંબા સમય પછી હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને લાગેલી મોનસુન બ્રેક પણ આ સિસ્ટમને કારણે દૂર થઈ શકે તેમ છે. તેથી તેની અસર ગુજરાતમાં ચોક્કસ જ પડશે. રાજ્યમાં સારા વરસાદના અણસાર છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવાનું છે જેને કારણે પશ્ચિમ ભારતમાં સ્થિર થયેલું નૈઋત્યનું ચોમાસુ આગળ વધશે.
બંગાળની ખાડીમાં ઉદભવી રહેલી વરસાદી સિસ્ટમ જો અનુમાન પ્રમાણે આગળ વધશે તો નૈઋત્યના ચોમાસાનો મોટા ફાયદો દેશના ખેડૂતોને થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદભવી રહેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં મદદ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, જૂન આખો મહિનો તથા જુલાઇના પહેલા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થયો નથી. આ સાથે જ રાજ્યભરના વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિ આગામી 9 જુલાઈ સુધી યથાવત રહેશે. ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં બદલાવ આવશે અને વરસાદનું જોર પણ વધશે.