વલસાડ જિલ્લામાં તિથલ, નારગોલ, ઉમરગામ સહિતના દરિયાકિનારા અત્યંત રળિયામણા છે. જેમાં પણ નારગોલ ગામનો દરિયા કિનારો અત્યંત લીલોછમ અને વનરાજીથી ઘેરાયેલો છે. અહીં માલવણ બીચને અડીને સરકારી વિશાળ જમીન આવેલી છે. તાજેતરમાં આ જમીન ઉપર વિશ્વ વન દિન નિમિત્તે વલસાડ સામાજિક વનીકરણ વિભાગ, એન્વાયરો ક્રિએટર્સ ફાઉન્ડેશન દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત ગોદરેજ પ્રોપર્ટી અને નારગોલ ગ્રામ પંચાયતના સયુક્ત સહયોગથી બાયો ડાર્યવસિટિ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેકટમાં FOREST BY THE SEA નામનું વિશ્વનું સૌથી મોટું વનનું નિર્માણ કાર્ય કરવાની નેમ છે.
નારગોલમાં દરિયાઇ જીવ સૃષ્ટિને બચાવવા તથા ધોવાણ અટકાવવા આ વનનું નિર્માણ થનાર છે. સુત્રોના જણાવ્યા મુજબ દરિયા કિનારે આવેલી સરકારી વિશાળ જગ્યામાં 1 લાખ 20 હજાર છોડ રોપવામાં આવશે. જેમાં 60 વિવિધ પ્રકારના છોડ રોપી તેનું જતન કરવામાં આવનાર છે. સાડા સાત એકર જમીનમાં બનનારા વનમાં વૃક્ષોના વાવેતર બાદ 3 કિમી સુધી ડ્રીપ ઇરિગેશનની સુવિધા ઊભી કરાશે.
નારગોલના માલવણ બીચને અડીને આવેલી જગ્યામાં નિર્માણ પામનાર આ વનમાં વિદેશી પક્ષીઓ ખાસ કરીને કિંગ ફિશર કપલ જોવા મળશે. કાદવ કીચડ, કાંટાળી ઝાડી ઝાંખરાવાળી પડતર ખારલેન્ડ જમીનને ઉપયોગ કરી નવું સ્વરૂપ આપી વન સાથે બીચ ડિવેલપ કાર્ય શરૂ કરાતાં દક્ષિણ ગુજરાતના પર્યટકો માટે નવુ સ્થળ ઉભુ થશે. જાપાનની મિયાવિકિ પદ્ધતિથી દુનિયાનું સૌથી મોટું વન નિર્માણ અહીં કરવાનું લક્ષ્ય છે.
ગત રવિવારે પ્રોજેક્ટના કામનો આરંભ મંત્રી રમણ પાટકરના હસ્તે કરાયો હતો. રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં નારગોલ સરપંચ કાંતિ કોટવાલ, ઉપસરપંચ સ્વીટી ભંડારી, જયપ્રકાશ ભંડારી, જયેશ બારી, તાલુકા પંચાયત સભ્ય દક્ષાબેન ધોડી, જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ અને ભરત જાદવ, તાલુકા પંચાયત પ્રમુખ રમેશ ધાંગડા, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમ પટેલ, વલસાડ સામાજીક વનીકરણના એસીએફ જિનલબેન ભટ્ટ, ઇન્ચાર્જ ફોરેસ્ટર કલ્પેશ માળી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.