મિઝોરમના સાયરાંગમાં બુધવારે એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર બની હતી, જ્યારે સ્થળ પર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. ઘણા મજૂરો અત્યારે ફસાયા હોવાની આશંકા છે, કારણ કે ઘટના સમયે સ્થળ પર 35-40 થી વધુ લોકો હાજર હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે… અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા PM નરેન્દ્ર મોદીએ PMMRF તરફથી પ્રત્યેક મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
તે જ સમયે, મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથંગાએ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે બચાવ કાર્ય ચાલુ છે. મુખ્ય પ્રધાન જોરામથાંગાએ X (સત્તાવાર ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે ‘આઈઝોલ નજીક સાયરાંગ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ આજે તૂટી પડ્યો. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 કામદારોના મોત થયા છે, બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી અને પ્રભાવિત છું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ‘હું બચાવ કામગીરીમાં મદદ કરવા મોટી સંખ્યામાં આગળ આવેલા લોકોનો આભાર વ્યક્ત કરું છું’.