આસામ અને મિઝોરમની વચ્ચે સરહદનો વિવાદ છેલ્લાં બે મહિનાથી વકરી ચુક્યો છે. સોમવારે તો આસામના અને મિઝોરમના પોલીસ જવાનો વચ્ચે મોટાપાયે હિંસા થઈ હતી. જેમાં આસામના પાંચ પોલીસ કર્મચારીના મોત થયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા સાથે કેન્દ્ર સરકારની સક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ હરકતમાં આવેલા ગૃહમંત્રી અમિત શાહે આસામ અને મિઝોરમના મુખ્યમંત્રીઓને ફોન કરી સરહદ વિવાદને શાંતિથી ઉકેલવા આદેશ આપ્યા હતા.
આસામ અને મિઝોરમની સરહદને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અત્યાર સુધી બંને પક્ષે અનેકવાર ઘર્ષણ પણ થઈ ચુક્યા છે. દરમિયાન સોમવારે મોડી સાંજે બંને પ્રદેશના પોલીસ જવાનો વિવાદાસ્પદ સ્થળેથી પરત જઈ રહ્યા હતા. આ સમયે કોઈએ અટકચાળુ કરતા જ બંને પ્રદેશની પોલીસના જવાનો અને સ્થાનિકો વચ્ચે મારપીટ શરુ થઈ ગઈ હતી. બંને તરફથી પહેલા લાકડીઓ અને પછી આંસૂગેસના સેલ છુટવા માંડ્યા હતા. આ દરમિયાન કોઈએ ફાયરિંગ પણ કર્યું હતુ. આ બબાલમાં આસામના પાંચ પોલીસ કર્મચારીના ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યા હતા. ઘટના બાદ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પોલીસ જવાનના મોતની ઘટનાની પૃષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, અતિક્રમણ હટાવવા મુદ્દે બંને રાજ્યોની પોલીસ અને નાગરિકોની વચ્ચે આ વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ સ્થિતિ વણસી હતી. જેમાં બંને તરફથી લાકડી, પથ્થરથી હુમલો કરાયો હતો. આ સાથે જ 50થી વધારે પોલીસ કર્મચારીઓ પણ હિંસાની ચપેટમાં આવી ગયા છે. આસામના કછાર જિલ્લાના એસપી વૈભવી નિંબાલકર ચંદ્રકાર પણ આ તોફાન સમયે ઈજા પામ્યા છે.
તેમના પગમાં ગોળી વાગી હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વધુમાં બિસ્વાએ આરોપ મુક્યો હતો કે, આસામના પાંચ જવાનના મોત બાદ મિઝોરમ પોલીસના જવાનોએ સ્થાનિકો સાથે મળીને તેની ઉજવણી કરી છે. બિસ્વાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વાયરલ કરેલા વિડીયોમાં ઉજવણીના દ્રશ્યો છે. જેમાં મિઝોરમના લોકો અને પોલીસ એકબીજા સાથે હાથ મિલાવતા નજરે પડી રહ્યા છે. બિશ્વાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતુ કે, ‘આસામના 5 પોલીસ કર્મચારીઓની હત્યા અને અનેકને ઘાયલ કર્યા બાદ મિઝોરમની પોલીસ અને ગુંડાઓ આ પ્રકારની ઉજવણી કરી રહ્યા છે. આ ઘટના અત્યંત દુ:ખદ અને ભયાનક છે.’ એક અન્ય ટ્વીટમાં લખાયું હતુ કે, મિઝોરમ પોલીસે આસામ પોલીસના જવાનો પર લાઇટ મશીન ગનનો ઉપયોગ કર્યાના પણ પુરાવા છે.