મોદી સરકારના પરિવહન મંત્રાલયના નવા ફતવા મુજબ હવે દેશમાં ચાલતા જૂના વાહનો પર પણ ટેક્સ લાગશે. ગ્રીન ટેક્સ પ્રસ્તાવને પરિવહન મંજૂરી આપી દીધી છે. પરિવહન અને હાઇવે વિભાગના પ્રધાન નીતિન ગડકરીએ 8 વર્ષથી વધુ જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લાદવાની દરખાસ્ત મંજૂર કરી હતી. હવે નિયમના અમલ પહેલાં આ પ્રસ્તાવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોકલવામાં આવશે. આ ટેક્સ 8 વર્ષથી વધુ જૂના વાહનો પર લાગશે. જેમાં ફિટનેસ સર્ટિફિકેટના નવીકરણ દરમિયાન ટેકસની રકમ પણ વાહનમાલિક પાસે લઈ લેવાશે. આ સાથે જ સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રના 15 વર્ષથી જૂના વાહનોની નોંધણી અને સ્ક્રેપ કરવાની નીતિને મંજૂરી અપાઈ હતી. સીએનજી, ઇથેનોલ, એલપીજી પર ચાલતા હાઇબ્રિડ, ઇલેક્ટ્રિક વાહનોને છૂટ મળશે. ટ્રેક્ટર, હાર્વેસ્ટર, ટિલર વગેરે ખેતીમાં વપરાતા વાહનો ઉપર ગ્રીન ટેક્સ લાગશે નહીં. સોમવારે કેન્દ્રીય પરિવહન ખાતાના મંત્રાલયે આ વિશે વિગતો આપતા કહ્યું હતુ કે, આ કરમાંથી થતી આવકનો ઉપયોગ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે કરાશે. 8 વર્ષથી વધુ જૂના વાહનો માટે ફીટનેસ સર્ટિફિકેટ અનિવાર્ય રહેશે. તેથી રોડ ટેક્સના 10 થી 25 ટકા જેટલો ગ્રીન ટેક્સ લેવો સરળ રહેશે. 15 વર્ષ પછી નોંધણીનું પ્રમાણપત્ર રિન્યુ થાય ત્યારે ખાનગી વાહનો પર ગ્રીન ટેક્સ વસૂલાશે.
મંત્રાલયે માત્ર ખાનગી વાહનોને જ નિશાન બનાવવાનો હેતુ રાખ્યો હોય તેમ સિટી બસો જેવા સાર્વજનિક પરિવહન વાહનો પર ગ્રીન ટેક્સ ઓછો લાગશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતુ કે, ખૂબ પ્રદૂષિત શહેરોમાં નોંધાયેલા વાહનો માટે રોડ ટેક્સ વેરો 50 ટકા કરવાની દરખાસ્ત કરી છે. નવા નિયમોની જાણ 1 એપ્રિલ 2022 ના રોજ રાજયો અને પ્રદેશોને કરાશે. પેટ્રોલ કે ડીઝલ અને વાહનોના પ્રકારને આધારે જુદા જુદા ટેક્સ લાગશે. “એક અંદાજ મુજબ વાણિજ્યક વાહનો કુલ વાહનોની સંખ્યાના 5% જેટલા છે પણ કુલ વાહન પ્રદૂષણમાં આશરે 65-70% ફાળો આપે છે. વર્ષ 2000 પહેલા ઉત્પાદિત કુલ વાહનોમાં તે 1% હતા. પરંતુ કુલ વાહન પ્રદૂષણમાં તેનો 15% ફાળો રહ્યો હતો. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રીન ટેક્સમાંથી મેળવેલી આવક અલગ ખાતામાં રખાશે. પ્રદૂષણને પહોંચી વળવા અને રાજ્યોમાં ઉત્સર્જન નિરીક્ષણ માટે અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવા માટે આ ખાતામાંથી જ નાણા વપરાશે.