કોરોના સામે જંગ લડી રહેલા ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન મોટાપાયે ચાલી રહ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધી કોરોના વોરિયર્સને રસી અપાઈ ચુકી છે. હવે દેશના વરિષ્ઠોને યાદી પ્રમાણે રસી આપવાનું આયોજન છે. દરમિયાન સોમવારે દેશના વડાપ્રધાન મોદીએ દિલ્હી એમ્સમાં કોરોનાની રસી લીધી હતી. જે બાદ મોદીએ ડોક્ટરો તેમજ વૈજ્ઞાનિકોનો શાનદાર કામગીરી માટે આભાર માન્યો હતો. કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાનો સોમવારથી આરંભ થયો છે. તેથી મોદી સોમવારે સવારે અંદાજે 6.30 વાગે જ દિલ્હી AIIMSમાં પહોંચી ગયા હતા. જે બાદ તેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. વડાપ્રધાને સ્વદેશી ભારત બાયોટેકની કોવેક્સિન લીધી હોવાનું બુલેટીન જાહેર કરાયું છે.
મોદીએ વેક્સિન લગાવતા સમયે પોંડીચેરી તથા કેરળની નર્સે ફરજ બજાવી હતી. મોદીએ વેકસીન લીધી તે સમયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મોદીએ હસ્તા મોઢે વેકસીન લીધી હોવાનું જોઈ શકાયું હતુ. આ સાથે જ તેમણે વેક્સિન લઈને સામાન્ય લોકોના મનની શંકા દૂર કરી હતી. બીજા ફેઝમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે. સાથે જ 45 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને રિપોર્ટ તપાસી નિર્ણય કરાશે. સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરાઈ છે. વધુમાં કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં રસીના ભાવ નક્કી કર્યા છે. જે મુજબ રસીની એકમાત્રા માટે 250 રૂપિયા લેવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં કોરોના રસી વિનામૂલ્યે આપવામાં આવશે.
કેટલાક સમયથી દેશના કેટલાક નાગરિકોમાં વેકસીનને લઈને આશંકાઓ છે. વિપક્ષ પણ આ મુદ્દાને છુપી રીતે ચગાવી રહ્યો હતો. જો કે મોદીએ કોરોના વેકસીનેશનના બીજા તબક્કામાં પહેલી રસી લઈને દેશમાં આ મુદ્દે વિરોધ કરી રહેલા લોકોને જવાબ આપી દીધો હતો. કોરોના વેક્સિન લીધા બાદ PMએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતુ કે, કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવામાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે. હું દરેકને અપીલ કરું છું કે, કોઈપણ શંકા વિના વેકસીનેશન કરાવે. મળતી વિગતો મુજબ દેશમાં ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે. 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર કામગીરી થનાર છે. જો કે, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.