અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 100 વર્ષ પુરા થતાં હાલ શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે. આ તકે યોજાનારા સમારંભમાં મુખ્યઅતિથિ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે. જો કે, આ દરમિયાન તેમનું સંબોધન ઑનલાઇન હશે. મોદીએ આમંત્રણ સ્વીકાર્યા બાદ યુનિવર્સિટી તરફથી વીસીએ તેમનો આભાર માન્યો હતો.સમારંભમાં પીએમ મોદી તથા કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયલ નિશંક પણ હશે. 56 વર્ષ પહેલા 1964માં તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અલીગઢ યુનિ. ખાતે ગયા હતા. જયાં તેઓએ એએમયુના દિક્ષાંત સમારંભને સંબોધિત કર્યો હતો. હવે આટલા વર્ષો પછી એવું બનશે જયારે દેશના વડાપ્રધાન એએમયુના કાર્યક્રમને સંબોધિત કરશે.
હાલ અલીગઢ મુસ્લિમ યુનિ.એ વડાપ્રધાન મોદીના સંબોધનને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ આયોજન કરી લીધું છે. યુનિવર્સિટીમાં આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા મોદી એક ખાસ ટિકિટ પણ રજૂ કરાશે. યુનિવર્સિટી વહીવટી તંત્રના જણાવ્યા મુજબ મંગળવારે આ કાર્યક્રમ કુરાન ખ્વાનીથી પ્રારંભ થશે. ત્યારબાદ કુલપતિ પ્રોફેસર તારિક મન્સૂર ઔપચારિક પરિચય કરાવશે. ત્યારબાદ સર સૈયદ એકેડેમીના ડિરેક્ટર અલી મોહમ્મદ નકવી યુનિવર્સિટીની 100 વર્ષની સિદ્ધિઓને સામે મૂકશે. જે બાદ આચાર્ય પ્રોફેસર નઇમા ખાતૂન મહિલાઓના શિક્ષણમાં એએમયુના ફાળા વિષયે છણાવટ કરશે.