બ્રિટન તરફ રવાના થઈ રહેલા કોરોનાની રસીના જથ્થાને ભારતે એકાએક અટકાવી દીધો છે. સરકારના આ પગલા પાછળ દેશમાં 3 દિવસથી વકરી રહેલી કોરોનાની સ્થિતિ હોવાનુ મનાય છે. જો કે, સરકારે આ બાબતે હજી કોઈ સ્પષ્ટતા કરી નથી. ભારતના આ પગલા બાદ બ્રિટનની મુશ્કેલી વધવાની શકયતા છે. હાલ બ્રિટનમાં રસીકરણના કાર્યક્રમની રફતાર ધીમી પડી ગઈ છે. ભારતમાં છેલ્લાં ચાર પાંચ દિવસથી 25 હજારથી વધુ રોજીંદા કોરોનાના કેસ આવી રહ્યા છે. તેથી ભારતમાં બનતી વેકસીનની દેશમાં જ માંગ વધી ગઈ છે. બીજી તરફ ભારત સરકારે અત્યાર સુધી દુનિયાના દેશોને આપેલા વચન પ્રમાણે કોરોનાની રસીનો જથ્થો રવાના કરાતો હતો. ભારતના સીરમ ઈન્સ્ટિટ્યુટ તરફથી બ્રિટનને કોરોનાની રસીના 50 લાખ ડોઝ મોકલવાનું નક્કી કરાયું હતુ. જે માટે બ્રિટને કુલ એક કરોડ ડોઝનો સોદો સીરમ સાથે કર્યો છે. જોકે હવે વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટેની સમય મર્યાદા લંબાવી દેવાઈ છે. સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ હતુ કે, ભારત સરકારે વિદેશ મોકલવાની રસીના જથ્થા પર કાપ મુક્યો છે. વળી હાલ તો તેને અટકાવાયો છે. ભારતમાં જરૃરિયાતમંદ તમામ લોકોને રસી ઉપલબ્ધ કરાવવા માટે સરકારે આ પગલું લીધું છે. જોકે અમારી કંપની બ્રિટનની મદદ માટે કટિબધ્ધ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં 3 મહિનાથી કોરોનાના નવા સ્ટ્રેન દેખાયા છે. હાલમાં ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાની વેક્સીન લોકોને આપવામાં આવી રહી છે. આવા સંજોગોમાં બ્રિટનમાં પણ તેની વધુ જરૃરિયાત છે. પરંતુ ભારતે રસી મોકલવાનું સ્થગિત કરાવ્યું છે. બીજી તરફ ભારતના આ પગલાથી ચિંતિત બ્રિટિશ પીએમ બોરિસ જોનસને કહ્યુ છે કે, વેક્સીન રિલિઝ કરવા માટે હું ભારત સરકાર સાથે વાતચીત કરીશ. જો કોઈ સમસ્યા હશે તો તેનો નિકાલ લવાશે. તે કરેલી કાર્યવાહી બાદ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી પોતાના જ દેશમાં ઘેરાઈ ગયા છે. તેમણે કહ્યુ હતુ કે, બ્રિટનમાં મોકલવા માટેની રસી ભારતે રોકી લીધી છે અને તેના કારણે બ્રિટનમાં રસીકરણ પણ ધીમુ પડી શકે છે. બીજી તરફ બ્રિટિશ સરકાર ભારતને આ વેક્સીન મોકલવા માટે મનાવવાના પ્રયાસો કરી રહી છે.