15 નવેમ્બર 2019માં બ્રાઝીલની યાત્રા બાદ વડાપ્રધાન મોદીએ વિદેશની કોઈ યાત્રા કરી નહતી. જો કે, હવે મોદીના ફરી વિદેશી પ્રવાસના આયોજનો થવા માંડ્યા છે. 2019માં 35 દિવસ સુધી ભારતના વડાપ્રધાન વિદેશ પ્રવાસે હતા. જો કે, 2020માં કોરોનાને કારણે તેઓએ વિદેશ પ્રવાસ કરવાનું ટાળ્યું હતુ. એક વર્ષથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જ ભાગ લેનાર મોદી હવે 25મી માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે જનાર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કુટનીતિના ભાગરૃપે ચાલતી ઝૂંબેશને પીએમઓ કાર્યલય તરફથી ફરી વેગવંતુ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદી હવે 25 માર્ચે બાંગ્લાદેશની યાત્રાથી તેમના વિદેશ પ્રવાસનો આરંભ કરશે. તેઓ શેખ મુઝીબુર રહેમાનની શતાબ્દિ સમારંભમાં હાજરી આપ્યા બાદ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથે પણ મુલાકાત કરશે. મે મહિનામાં ભારત અને યુરોપિયન યુનિયનના નેતા મુલાકાત કરી શકે છે. જેમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી પોર્ટુગલની યાત્રાએ જાય તેવી શકયતા છે. ભારત અને યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ માટે કેટલાંક વર્ષથી પ્રયાસરત છે. જો કે, કોરોનાકાળમાં આ પ્રયાસો પર રોક લાગી હતી. હવે ઈકોનોમીમાં સુધારો અને ઈન્ટરનેશનલ ટેરેરિઝ્મ જેવાં મુદ્દાઓ પર પણ આ મુલાકાતમાં ચર્ચા થઈ શકે છે. આથી વડાપ્રધાન મોદી જૂનમાં બ્રિટન જવા ઈચ્છે છે. જ્યાં તેઓ G7 સમિટમાં ભાગ લેશે. કોર્નવાલમાં થનારી સમિટ માટે બ્રિટને મોદીને વિધિવત રીતે આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
G7માં બ્રિટન, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન, અમેરિકા અને યુરોપિયન યુનિયન સામેલ છે. બીજી તરફ વિદેશના મહેમાનોને પણ ભારત આવવા આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. એપ્રિલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારત આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી બોરિસની મુલાકાતની સત્તાવાર જાહેરાત થઈ નથી. તેઓ ગણતંત્ર દિવસની ઉજવણી સમયે ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપવાના હતા. પરંતુ બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન દેખાયા બાદ સ્થિતિ વણસી હતી. જેને કારણે તેઓએ ભારતનો પ્રવાસ રદ કર્યો હતો. હાલમાં તેઓએ G7 સમિટ પહેલાં ભારત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વિશે બ્રિટિશ હાઈકમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, UKના વડાપ્રધાન જૂનમાં પ્રસ્તાવિત G7 સમિટ પહેલાં ભારતની યાત્રા કરે તે માટે બ્રિટન સરકાર અને તેઓ પોતે વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોદીએ છેલ્લે 13થી 15 નવેમ્બર 2019 દરમિયાન બ્રાઝીલની યાત્રા કરી હતી. તે સમયે મોદી BRICSમાં સામેલ થવા ગયા હતા.