કોરોનાની બીજી લહેરથી ગુજરાતમાં ભારે ફફડાટ ફેલાયો છે. છેલ્લાં સપ્તાહમાં કુદકેને ભૂસ્કે વધી રહેલા કેસથી મોટા શહેરોમાં રાત્રિ કર્ફયુ મુકાયું છે. રવિવારે પણ રાજ્યમાં કોરોના કેસોનો આંક 1500ને આંબી ગયો હતો. બીજી તરફ રાજકોટ મેડિકલ કોલેજમાં સેકન્ડ MBBSના ચાર વિદ્યાર્થીને કોરોના થતા ફફડાટ ફેલાયો હતો. આ જ દરમિયાન રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના 6 દર્દીના મોત થયા હતા. જેમાં આફ્રિકાથી અભ્યાસ માટે મારવાડી યુનિવર્સિટીમાં આવેલા વિદ્યાર્થી કે જે પણ કોરોનામાં સપડાયા બાદ સારવાર હેઠળ હતો તેનું મોત થયું હતુ. સિવિલના કોવિડ વોર્ડમાં વિદ્યાર્થીના મોત બાદ તંત્રએ તેના મોતના ચોક્કસ કારણ અંગે ડેથ ઓડિટ કમિટી પર નિર્ણય છોડ્યો છે. સૌરાષ્ટ્રમા શનિવારે 266 કેસ નોંધાયા બાદ રવિવારે 226 કેસ મળી આવ્યા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રમા કોરોનાના કેસ સતત ત્રીજા દિવસે 200થી વધુ નોંધાયા છે. રાજકોટમાં કલેક્ટર કચેરીએ અલગ અલગ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી વેક્સિનેશન વધારવા માટે સૂચના આપી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાના 8થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં સતત ત્રીજા દિવસે એટલે કે રવિવારે કોરોનાના કેસનો આંકડો 100ને પાર થઈ ગયો હતો. રાજકોટમાં રવિવારે નવા 109 નાગરિકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા હતા. રાજકોટમા કોરોનાના સંક્રમણમાં થઈ રહેલા વધારાથી આરોગ્ય ખાતા સાથે લોકોની ચિંતા વધારી છે. દરમિયાન સમરસ હોસ્ટેલમા સીસીસી સેન્ટર શરૂ કરવા પ્રશાસને કવાયત આદરી છે. રાજ્યમાં ફરી એકવાર કોરોના બેકાબૂ બનતાં લોકોમાં ભારે ડરનો માહોલ છે. કોરોનાને કાબૂમાં રાખવા માટે રાજકોટ મનપા દ્વારા ફરીથી ટેસ્ટિંગ બૂથ શરૂ કરી દેવાયા છે. જે વિસ્તારમાંથી કેસ આવે ત્યાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય પણ કરાયો છે. આ સાથે જ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનું કામ પણ ચુસ્ત રીતે કરવા સુચના અપાઈ છે.