મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે સર્જાયેલી એક દુર્ઘટનામાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતને કારણે 32થી વધુ લોકોના મોત થયા હતા. મંગળવારે બપોર સુધીમાં નહેર અને બસમાં ફસાયેલા 32 મૃતદેહોને શોધી કઢાયા હતા. એમપીના રીવા-સીધી બોર્ડર નજીક ચૂહિયાઘાટી નજીક આવેલી બાણસાગર નહેર પાસેથી સવારે 8 વાગ્યા આસપાસ પસાર થતી એક બસના ચાલકે સવારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને કારણે મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી પડી હતી. દુર્ઘટના વખતે બસમાં 60 લોકો સવાર હતા. જયારે બપોરે 2 વાગ્યા સુધીમાં 32 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાનું સુત્રોએ જણાવ્યું હતુ. મધ્ય પ્રદેશમાં સર્જાયેલી દુર્ઘટના સીધી વિસ્તારની છે. મૃતકો પૈકી સાત લોકોની ઓળખ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે જોતરાઈ હતી. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. નહેરમાં પાણી પણ વધારે હોવાથી આખી બસ જ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જયારે ઘટના બાદ આસપાસના ગામના લોકો પણ સ્થળ પર મદદ માટે દોડી આવ્યા હતા. બપોર સુધી બચાવ કામગીરી પણ હજુ ચાલી રહી હતી. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના અંગે દુખ વ્યક્ત કરીને કમભાગી મુસાફરોના પરિવારજનોને 5 લાખના વળતરની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ગૃહ પ્રવેશ યોજનાનો કાર્યક્રમ પણ આ ઘટનાની જાણ થયા બાદ સ્થગિત કરી દીધો હતો. કિન્તુ સીધી જિલ્લામાં બાણસાગરની નહેરમાં શારદા પાટન ગામના મુસાફરો ભરેલી એક બસ નહેરમાં પડી જતા સર્જાયેલી કરુણાંતિકાને કારણે અમોએ કાર્યક્રમ મૌકુફ રાખી દીધો હતો. સીએમ એ સીધી જિલ્લાના અધિકારીઓ પાસેથી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે જ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે બાણસાગર ડેમથી નહેરમાં પાણી છોડવાનું બંધ કરવા આદેશ આપ્યો હતો.