ભારતમાં વિવિધ ક્રિકેટ સ્ટેડિયમ અને મેદાનોના નામ પાડવામાં વિવિધતા કે રાજકારણ
ભારતમાં કોઈ પણ સ્થળ કે મેદાન કે ઇવન બગીચાના નામ આપવામાં પણ વિવાદ થતા રહે છે. હવે તો શહેરના નામો બદલવામાં પણ જાણે કે ઝુંબેશ ચાલતી હોય તેમ લાગે છે. ક્રિકેટના મેદાનમાં પણ આવું જ છે. જે તે સત્તાવાળાઓ પોતાના શહેર કે રાજ્યના રાજકારણીઓ અને દેશના સર્વોચ્ચ નેતાઓને ખુશ રાખવાની હોડમાં સતત લાગેલા જ રહેલા હોય છે. જોકે આપણે માત્ર ક્રિકેટના મેદાનોની જ વાત કરવી છે. તાજેતરમાં જ અમદાવાદમાં નવા બંધાયેલા મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું. આમ તો મોટેરામાં 1983માં સ્ટેડિયમ બન્યું હતું અને એ વખતે તેનું નામ ગુજરાત સ્ટેડિયમ હતું જે 1994-95માં સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. હવે સવા લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા સાથે વિશ્વના સૌથી વિશાળ બની ગયેલા આ સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવ્યું છે. કારણ એ છે કે 2009માં નરેન્દ્ર મોદી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બન્યા હતા અને દેશના વડાપ્રધાન બનતા અગાઉ તેમણે મોટેરામાં દુનિયાના સર્વશ્રેષ્ઠ અને સૌથી જંગી સ્ટેડિયમની કલ્પના કરી હતી જેને સાકાર કરતાં લગભગ છ વર્ષ લાગી ગયા હતા.
હવે નરેન્દ્ર મોદીના નામે સ્ટેડિયમ બનતા ઘણાના ભવા ચડી ગયા છે પણ સામાન્ય રમતપ્રેમીને તેની ખાસ અસર નથી અને ખાસ નોંધનીય બાબત તો એ છે કે કોઈ પણ સ્ટેડિયમનું નામ કોના પરથી રાખવું કે શું રાખવું તેનો અધિકાર જે તે એસોસિયેશનનો હોય છે.
અગાઉ લખનૌમાં નવા બંધાયેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી20 ક્રિકેટ મેચ રમાઈ હતી. ત્યારે લખનૌમાં મેદાન કોના નામે છે તેની ચર્ચા થઈ હતી. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ છે તેવી રીતે એકાના કોમ્પલેક્સમાં આવેલું હોવાને કારણે લખનૌના આ સ્ટેડિયમને એકાના સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તેનું સત્તાવાર નામ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે. ભારતીય મેદાનોની ખાસિયત એ છે કે મોટા ભાગના મેદાનોના નામ રાજકારણીઓ પરથી પાડવામાં આવ્યા છે જેમાં ગાંધી-નહેરુ પરિવાર મોખરે છે. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પરથી જ સાત ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ આવેલા છે જેમાં ચેન્નાઈ, ગુવાહાટી, ઇન્દોર, દિલ્હી, ગોવા (મડગાવ) અને કોચીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇન્દિરા ગાંધીના નામે વિશાખાપટનમ અને વિજયવાડામાં સ્ટેડિયમ છે તો આંધ્ર પ્રદેશમાં જ હૈદરાબાદના ઉપુલ ખાતેના સ્ટેડિયમનું નામ રાજીવ ગાંધીના નામ પરથી છે. અમદાવાદમાં બે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે અને યોગાનુયોગે બંનેના નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી છે. નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ અને મોટેરામાં સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ જે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બની ગયું છે. ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નામ પરથી હૈદરાબાદમાં શાસ્ત્રી સ્ટેડિયમ છે.
જોકે માત્ર નહેરુ જ નહીં મહાત્મા ગાંધીના નામે અમૃતસર અને જલંધરમાં એક એક સ્ટેડિયમ છે . જોકે તેમાંના એકને હવે બિશનસિંઘ બેદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. આમ ભારતમાં કોઈ ટેસ્ટ ક્રિકેટરની યાદમાં સ્ટેડિયમનું નામ પડ્યું છે ખરું પણ મજાની વાત એ છે કે ભારતમાં બે ક્રિકેટ સ્ટેડિયમના નામ હોકી ખેલાડીની યાદમાં રાખવામાં આવ્યા છે જેમાં ગ્વાલિયરમાં કેપ્ટન રૂપસિંઘ સ્ટેડિયમ અને લખનૌમાં કે. ડી. સિંઘ બાબુ સ્ટેડિયમ જ્યાં એક ટેસ્ટ રમાઈ હતી. આ ઉપરાંત એવા પણ મેદાનો છે જેના નામ ક્રિકેટ વહીવટકર્તાની યાદમાં રખાયા હોય. એમ.એ. ચિદમ્બરમ, એમ. ચિન્નાસ્વામી, આઇ.એસ. બિન્દ્રા, એસ. કે વાનખેડે અને વાય. એસ. રાજશેખર રેડ્ડી (જેઓ રાજ્યના મુખ્યપ્રધાન પણ હતા). આ તમામના નામે અનુક્રમે ચેન્નાઈ, બેંગલોર, ચંદીગઢ, મુંબઈ અને વિશાખાપટનમમાં સ્ટેડિયમ છે. આ યાદીમાં છેલ્લે અરુણ જેટલી સ્ટેડિયમનો ઉમેરો થયો. દાયકાઓથી ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ દુનિયાભરમાં લોકપ્રિય હતું પરંતુ નવી દિલ્હીમાં આવેલા આ સ્ટેડિયમને દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશને પોતાના ભૂતપૂર્વ પ્રમુખના નામ પરથી અરુણ જેટલી સ્ટેડિયમ કરી નાખ્યું. બિશનસિંઘ બેદી સહિત ઘણાએ તેનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત રાજકારણી અને રાજવી હોય તેવા પણ નામો છે. માધવરાવ સિંધિયા, મહારાજા સવાઈ માનસિંઘ (દ્વિતીય), બરકતુલ્લાહ ખાન (જોધપુર) અને રાજા નાહરસિંઘ તિવેટિયા (ફરીદાબાદ)ની યાદમાં સ્ટેડિયમના નામ પાડવામાં આવ્યા છે.
પટણામાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના ભૂતપૂર્વ સચિવ મોઇન ઉલ હકની યાદમાં સ્ટેડિયમ છે તો ભારતમાં ક્રિકેટની રમતનો પ્રારંભ કરનારા કેટલાક બ્રિટિશરને પણ યાદ રાખવામાં આવ્યા છે. બ્રિટિશ શાસન કાળમાં દેશના ગવર્નર જનરલ રહી ચૂકેલા જ્યોર્જ ઇડનના બહેન એમિલી ઇડનના નામ પરથી કોલકાતા (તત્કાલીન કલકત્તા)માં ઇડન ગાર્ડન્સ છે તો માઇકલ નેચબૂલે (ચોથા બેરન બ્રેબોર્ને) મુંબઈમાં ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના સૌથી લોકપ્રિય એવા બ્રેબોર્ન સ્ટેડિયમનો પાયો નાખ્યો હતો. આમ તેમના નામ પરથી બ્રેબોર્ન સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. જમશેદપુરમાં ટાટા સ્ટીલના જનરલ મેનેજર જ્હોન લોરેન્સ કિનાન હતા જેમની યાદમાં ત્યાંના સ્ટેડિયમને કિનાન સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ તમામમાં ગ્રીન પાર્ક અચરજ પમાડે તેવું નામ છે. કાનપુરમાં 1940ના દાયકામાં અંગ્રેજ મેડમ ગ્રીન હોર્સ રાઇડિંગની પ્રેક્ટિસ કરતા હતા તે સ્થળ પર ક્રિકેટ મેદાન બન્યું અને તેનું નામ ગ્રીન પાર્ક રખાયું. ગ્રીન પાર્કની સામે જ આવેલી હોસ્પિટલમાં બોબ વૂલ્મરનો જન્મ થયો હતો જેને કારણે ગ્રીન પાર્કની ટર્ફને વૂલ્મર ટર્ફ કહેવામાં આવે છે પરંતુ તે સત્તાવાર નામ નથી.
વિશ્વમાં કોઈ મેદાનને નંબર અપાયો નથી. એકમાત્ર ચંદીગઢ જ એવું છે જ્યાંના સ્ટેડિયમને સેક્ટર-16 સ્ટેડિયમ નામ અપાયું છે.
સિદ્ધાર્થ ત્રિવેદી
સ્પોર્ટ્સ કોર્નર