ગુજરાતમાં ધર્મપરિવર્તન મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો ઉકેલ કાઢવા માટે સરકાર ગંભીર બની છે. હવે બળજબરી પૂર્વક બે આંતરધર્મીય વ્યક્તિઓ વચ્ચે થતા લગ્ન રોકવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ- ૨૦૦૩ને સુધારવામાં આવશે. અત્યાર અમલી કાયદો ૧૭ વર્ષ જૂનો છે. આ કાયદામાં સુધારો કરવા માટે વિધેયકમાં ધાર્મિક વિવિધતા ધરાવતા બે વ્યક્તિના લગ્ન અને તેના આધારે ધર્મ પરિવર્તનમાં મદદ કરનાર સામે પાંચ વર્ષથી લઈને સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ લવ જેહાદની વધતી ઘટના રોકવા જોરદાર માંગ થઈ છે. યુપીમાં યોગી સરકારે આ વિશે કાયદો બનાવ્યા બાદ ગુજરાતમાં ખુદ શાસક પક્ષના સભ્યો તેની તરફેણમાં દેખાયા છે. તેથી ગુજરાત વિધાનસભામાં આગામી સપ્તાહના બુધવાર કે ગુરૂવારે આ સુધારા વિધેયકને ચર્ચા માટે રજૂ કરવામાં આવી શકે છે. વિધાનસભામાં ભાજપની બહુમતિ હોવાથી કાયદામાં સુધારાની દરખાસ્તાને મંજૂરી મળી જશે. સરકારનું માનવું છે કે, આ સુધારાથી ધર્માંતરણને લઈને ઉભા થતાં વિવાદો બંધ થઈ જશે. રાજ્યમાં ભાજપના નેતા, સરકારના પદાધિકારીઓ વારંવાર ઉત્તરપ્રદેશની જેમ જ લવજેહાદ સામેનો કાયદો લાવવા માંગ કરી રહ્યા છે. દરમિયાન સુચિત સુધારા વિધેયકની વિગતો બહાર આવી છે. જેમાં ક્યાંય લવજેહાદ શબ્દનો ઉલ્લેખ કરાયો નથી. ભાજપની સરકારે જ ઘડેલા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ- ૨૦૦૩માં ૧૭ વર્ષ પછી સુધારો કરવા પાછળના ઉદ્દેશ્યો પ્રભારી મંત્રીએ રજૂ કર્યા છે. જેમાં ધર્મપરિવર્તનના હેતુ સાથે મહિલાઓને લગ્ન માટે લલચાવાની ઘટનાને મુખ્ય કારણ બતાવાયું છે.
ધર્મપરિવર્તને ઈરાદે થઈ રહેલી ગતિવિધિમાં સામેલ વ્યક્તિઓ, સંસ્થાઓ, સંગઠનો સામે પણ કાર્યવાહી માટે કાયદામાં સુધારાનો પ્રસ્તાવ છે. પ્રસ્તાવિત મુસદ્દામાં સરકારે બળજબરીથી થતા લગ્ન અને તેના માટે થતા ધર્મપરિવર્તનમાં સામેલ તમામ મદદગાર આરોપીઓને ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની કેદ તેમજ બે લાખ સુધી દંડની સજાની જોગવાઈ કરી છે. આ ઉપરાંત આવા કિસ્સામાં પીડિતા સગીરા કે મહિલા SC અથવા ST વર્ગની હોય તો આવા કિસ્સામાં આરોપીઓને ઓછામાં આછા ચાર વર્ષ અને વધુમાં વધુ ૭ વર્ષ સુધીની કેદ તેમજ રૂપિયા ત્રણ લાખ સુધીનો દંડ કરવામાં આવી શકે છે. આ માટે નવા કાયદાના અમલ સાથે જ કોર્ટને સત્તા મળી જશે. આ ઉપરાંત રાજ્ય સરકાર નવા કાયદા ઘડી રહી છે. આયુર્વેદ યુનિવર્સિટીઓ માટે વર્ષ ૧૯૬૫નો મુળ કાયદો રદ કરીને સરકાર નવો કાયદો ઘડી રહી છે.
તેથી આયુર્વેદ કોલેજો, સંસ્થાનોના વ્યવસ્થાપક મંડળ, નાણાંકિય વહિવટ, નિમણૂંકોની પ્રક્રિયામાં વ્યાપક ફેરફાર થશે. ઉપરાંત અશાંત ધારા હેઠળ ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવાની જોગવાઈ નિર્દિષ્ટ વિસ્તારમાં અશાંત વિસ્તારનો શબ્દ પ્રયોજવા અંગે સુધારો થશે. આ ઉપરાંત પંચાયત અધિનિયમ હેઠળ વર્ગ-૩ની જગ્યાઓ ભરવા, મેડિકલ એજ્યુકેશનને સ્પર્શતા કાયદામાં સુધારો કરીને આર્યુર્વેદ, નેચરોપથી, હોમિયોપેથીની નોન ગ્રાન્ટેડ કોલેજો કે સંસ્થાઓને ૧૫ ટકા સરકારી બેઠકો ભરવા નવી નીતિ જેવા કાયદા પણ આગામી દિવસોમાં બને તેવી ગણતરી છે.