મોદી સરકારના રાજમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચી છે. મોંઘવારી અને પેટ્રોલ તથા ડીઝલ મુદ્દે જ યુપીએ સરકાર અને કોંગ્રેસ પર પ્રહારો કરતા મોદી અને ભાજપ આ મુદ્દે નરોવા કૂંજરોવા જેવું વલણ અપનાવતા રહ્યા છે. બીજી તરફ દેશની જનતાના ખિસ્સા ટેક્સને નામે ખંખરાઈ રહ્યા છે. આવા સંજોગમાં અત્યાર સુધી અનેક રજૂઆતો પછી પણ ટેક્સ ઘટાડવા નન્નો ભણતી મોદી સરકારે અચાનક ઈંધણ પરનો ટેક્સ ઘટાડવા હિલાચાલ શરૃ કરી છે. જો કે, આ ગતિવિધિઓ પાછળ આવનારા દિવસોમાં દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી કારણભૂત હોવાનું નક્કરપણે મનાય રહ્યું છે. મળતી વિગતો મુજબ છેલ્લાં દોઢ જ વર્ષમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 16થી 25 રૃપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. આ વધારા પાછળ માત્ર સરકારના ટેક્સ જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમતો સતત ઘટવા સમયે પણ સરકારે પ્રજાને કોઈ રાહત આપી નથી. આજે દેશના મોટાભાગના શહેરોમાં ઈંધણની કિંમત પ્રતિલિટર 90 રૃપિયાને વટાવી ગઈ છે. સાથે જ મોંઘવારીનો મુદ્દો પણ સરકાર માટે મોટી સમસ્યા બનવા માંડ્યો છે. દેશમાં વિપક્ષી સભ્યોની ઓછી સંખ્યાને કારણે સરકાર આ મુદ્દે નમતુ જોખતી નથી. પરંતુ લોકોમાં આ મુદ્દે વ્યાપક નારાજગી છે.
દરમિયાન 3 દિવસ પહેલાં ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. તેથી પાંચ રાજ્યોમાં આ મુદ્દાઓ ભાજપને નડી શકે તેમ છે. જેને કારણે કેન્દ્રીય નાણામંત્રાલયે હવે ઇંધણો પર લાગુ થતી કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરવાની દીશામાં વિચારણા શરૂ કરી છે. સરકારી સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય નાણામંત્રાલયે સરકારી આવકને નુકસાન કર્યા વિના ગ્રાહકો પરનો ટેક્સ બોજો ઘટાડવા રાજ્યો, ઓઇલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે ચર્ચા શરૂ કરી છે. જેમાં ઇંધણોની કિંમતોને સ્થિર રાખવા માટે કયા કયા પગલા લઈ શકાય તે માટેના પાસા વિચારાય રહ્યા છે. માર્ચના મધ્ય સુધીમાં આ અંગે કોઈ નિર્ણય થઈ જાય તેવી શકયતા છે. સરકાર મોડે મોડે ક્રૂડ ઓઇલની કિંમતો સ્થિર બને તે માટે ગંભીર બની છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં મંગળવારે વિવિધ ટ્રેડ યુનિયનોએ કેરળમાં બંધનું એલાન અપાયું હતું. જેના વ્યાપક અસર દેખાય હતી. સડકો પરથી જાહેર પરિવહનના વાહનો ગાયબ થતાં બજારો અને દુકાનો બંધ હતાં. આગામી દિવસોમાં માલવાહક વાહનો તેના ભાડા વધારે તેમ છે. જો આમ થાય તો મોંઘવારી ભડકે બળશે અને ચૂંટણીમાં તેની અસર દેખાશે તે નિશ્ચિત છે. મોદી સરકાર આ જ કારણસર પાણી આવવા પહેલા પાળ બાંધવા જઈ રહી હોવાનું મનાય રહ્યું છે.