દાદરાનગર હવેલીના દીગ્ગજ નેતા અને દબંગ સાંસદ મોહન ડેલકરે સોમવારે મુંબઈ મરીન ડ્રાઈવની હોટલમાં આત્મહત્યા કર્યા બાદ તેમનો મૃતદેહ મોડી રાતે સેલવાસ સાયલી લવાયો હતો. સાયલીના ફાર્મ હાઉસમાંથી સદગતનો દેહ મંગળવાર સવારે સેલવાસ આદિવાસી ભવન ખાતે લઈ જવાયો હતો. જયાં આમજનતાના દર્શન માટે તેને 3 કલાક સુધી રખાયો હતો. આ દરમિયાન 50 હજારથી પણ વધુ લોકોએ સદગતના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. આદિવાસી ભવન ખાતે મોટી સંખ્યાના ભાજપ સહિતના રાજકીય પક્ષના નેતાઓ ડેલકરના અંતિમ દર્શન માટે આવ્યા હતા. જે બાદ સેલવાસ નગરમાં તેમની અંતિમયાત્રામાં મોટી માનવ મેદની પણ જોડાઈ હતી. તેઓએ સાત ટર્મ સુધી લોકસભામાં દાનહનું પ્રતિનિધિત્વ કર્યું હોવાથી સ્થાનિકોમાં પોતાનો સ્વજન ગુમાવ્યાનો વસવસો સ્પષ્ટપણે વર્તાયો હતો.

ડેલકરના દેહને લોકસભાવતી સ્પીકર તરફથી પૃષ્પાંજલી અર્પણ કરાવાઈ હતી. આ સાથે જ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય અપાઈ હતી. તિરંગામાં તેમનું પાર્થિવ શરીરને લપેટી દેવાયું હતુ. જે બાદ તેમના પુત્ર અભિનવ ડેલકરે અગ્નિદાહ આપ્યો હતો. દાદરાનગર હવેલીના ભાજપના આગેવાન અને પૂર્વ સાંસદ નટુ પટેલે પણ ડેલકરના પાર્થિવદેહના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. અંતિમ યાત્રા સાથે જ સેલવાસમાં વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ગરીબ લોકોના કામ કરવામાં તેઓએ કયારેય પણ કચાસ રાખી ન હતી. લોકસભામાં દાનહના પ્રશ્નોને તેઓ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરતા રહ્યા હતા. તેઓ અપક્ષ, નવ શક્તિ પાર્ટી, કોંગ્રેસ અને ભાજપમાંથી પણ ચૂંટણી લડીને જીત્યા હતા. મોહન ડેલકરની અંતિમયાત્રા આખું દાદરાનગર ઉમટી પડ્યું હોય તે રીતે લોકો એકઠા થયા હતા. ડેલકર લોકોને પ્રિય નેતા હતા.

દમણના સાંસદ લાલુ પટેલે પણ મોહન ડેલકરના નિધનને લઇને દુઃખ વ્યક્ત કર્યું હતુ. લાલુ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના મહારાષ્ટ્રમાં બની છે. હાલ સ્યુસાઈડ નોટને આધારે પોલીસ તપાસ કરી રહી છે. ડેલકરના નિધનને પગલે મીડિયા ઇન્ચાર્જ દીપક પટેલે આક્ષેપ કર્યો છે કે, મોહન ડેલકર છેલ્લા કેટલાક સમયથી પ્રશાસનિક તાનાશાહીના કારણે તણાવમાં રહેતા હતા. તેથી જ ડલેકરે આ અંતિમ પગલું ભર્યું હોય શકે છે.