કોરોનાના સંકટ સાથે જ હવે ગુજરાતમાં હવે મ્યુકોર માઈકોસીસ નામના રોગની નવી આફત આવી છે. કોરોનોની સારવાર માટે સુચારુ સુવિધા ઉભી કરી શકાય નથી. ત્યાં હવે આ રોગ માટે સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડ શરૃ કરવાની નોબત આવી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની મોટી અસર થઈ છે. ચાર મોટા શહેરો ઉપરાંત ગામડે ગામડે આ વખતે વાયરસની અસર પહોંચી છે. કોરોના સંકટ હજી દૂર થયું નથી ત્યાં હવે રાજ્માં મ્યુકોરમાઈકોસિસના દર્દી ઝડપથી વધતા સરકાર ચિંતાતૂર થવા સાથે લોકોમાં ગભરાટ ફેલાયો છે. હાલમાં આ બિમારીમાં સપડાયેલા બે દર્દીના મગજ સુધી બ્લેક ફંગસ પહોંચી ગઈ હોવાનું નિદાન તબીબોએ કર્યું છે.
ગુજરાતના સુરતમાં આ પ્રકારની સમસ્યાવાળા બે કેસ નોઁધાયા છે. આ સાથે જ તબીબી આલમમાં પણ ચિંતા ફેલાઈ રહી છે. સ્થાનિક તજજ્ઞ તબીબોના મતે રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ ઝડપથી વધી રહ્યો છે. જે બ્લડ આર્ટરીથી શરીરના વિવિધ ભાગોમાં ફેલાય છે. શરૂઆતમાં સાયનસથી થઈને આંખ, મેગ્ઝિલા સુધી તે પહોંચે છે. જો પ્રાથમિક તબક્કે ધ્યાન નહીં રખાય તો હૃદય સુધી જતી વિવિધ આર્ટરીને તે અટકાવીને ધબકારા બંધ કરી શકે છે.
મ્યુકોરમાયકોસિસની સારવારમાં ખૂબ જ કાળજીની આવશ્યકતા રહે છે. ૧૮૦ ઈન્જેક્શન આપવાના હોવાથી દર્દીઓને વારંવાર નીડલ ઘોંચવી નહીં પડે માટે ગરદન પાસેથી સેન્ટ્રલ વેઈન મુકીને તેને હૃદય સુધી પસાર કરવામાં આવે છે. ૨૫૦ એમજીના વિવિધ ડોઝ દર્દીઓને તેમના શરીરની સ્થિતિ જાણીને આપવા પડે છે. એક દિવસમાં ૫થી ૭ ઈન્જેક્શન આપવા પડે છે. આ સારવારમા ઈન્જેક્શન આપવામાં એક દિવસ પણ ખાલી છોડી શકાતો નથી. મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને સાજા કરવા માટે આપવામાં આવતા એમ્ફાથેરાસિન બી ઈન્જેક્શનના ૧૫૦થી ૧૮૦ ડોઝમાં ધ્યાન નહીં રાખવામાં આવે તો કિડનીને મોટું નુકસાન થઈ શકે છે. ફૂગને નિયંત્રણ કરીને તેને ફેલાતા અટકાવી શકે તે માટે એમ્ફાથેરાસિન બી સહિતના ઈન્જેક્શનને તૈયાર કરવાની પ્રક્રિયા જ લાંબી છે. અંદાજે દોઢ મહિના સુધીમાં ઈન્જેકશનનો બેચ તૈયાર થતો હોય છે. હાલમા સુરતમાં આ ઈન્જેકશનની માંગ વધી છે. જો કે, સરકાર હવે આ ઈન્જેકશન માટે પણ વ્યવસ્થા ગોઠવવા મથામણ કરી રહી છે. સુરતની સિવિલ, સ્મીમેર અને કિરણ હોસ્પિટલમાં કુલ ૧૧૪ દર્દીઓ આ રોગની સારવાર લઈ રહ્યા છે. આખા રાજ્યમાં આ પ્રકારના અનેક દર્દીઓ છે. હજી ૭૫ દર્દીઓ સારવાર માટે વેઈટિંગ લિસ્ટમાં છે.