ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ઓઈલ, મોબાઈલ ઈન્ટરનેટ પછી ઈલેક્ટ્રિક વાહનની દુનિયામાં ખળભળાટ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ. 50.16 કરોડમાં ઇલેક્ટ્રિક વાહન ટેક્નોલોજી અને સોલ્યુશન્સ કંપની અલ્ટીગ્રીન પ્રોપલ્શન લેબ્સ પ્રાઇવેટ લિમિટેડમાં હિસ્સો ખરીદ્યો છે. અગાઉ મુકેશ અંબાણીએ ચીનની લિથિયમ આયન બેટરીની સરખામણીમાં સોડિયમ બેટરીના ઉત્પાદનમાં પગ મૂક્યો હતો.
રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ (RNEL), જે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, તેણે Altigreen સાથે રૂ. 100ની ફેસ વેલ્યુના 34,000 સિરીઝ-A શેરના સંપાદન માટે કરાર કર્યો છે, રિલાયન્સે સ્ટોક એક્સચેન્જોને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું. આ ડીલ રૂ. 50.16 કરોડની છે. કંપનીએ જોકે, આ રોકાણના બદલામાં કેટલો ઇક્વિટી હિસ્સો મેળવ્યો તે જણાવ્યું નથી. આ વ્યવહાર માર્ચ 2022માં પૂર્ણ થશે. બેંગલુરુ સ્થિત અલ્ટીગ્રીન ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજી અને સોલ્યુશન્સ પ્રદાતા છે.