કર્ણાટકના શિવમોગામાં હિજાબના વિવાદ વચ્ચે બજરંગ દળના કાર્યકરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ મામલાને હિજાબ વિવાદ સાથે જોડીને તપાસ કરી રહી છે. જોકે પોલીસ સીધું કંઈ કહેવાનું ટાળી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે, જેના કારણે પોલીસ પણ વધુ સક્રિય બની છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ બની હતી. 26 વર્ષીય બજરંગ દળ કાર્યકરની ઓળખ હર્ષ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે હર્ષએ તેના ફેસબુક પ્રોફાઇલ પર હિજાબ વિરુદ્ધ પોસ્ટ લખી હતી. તેમણે ભગવા શાલનું સમર્થન કર્યું હતું.
બજરંગ દળના કાર્યકરની હત્યા બાદ શિવમોગામાં તણાવ વધી ગયો છે. હત્યા બાદ ઘણા કાર્યકરો હોસ્પિટલ પહોંચ્યા અને ઘટનાનો વિરોધ કરવા લાગ્યા. વધતા તણાવને જોતા સમગ્ર શિવમોગામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન કર્ણાટકના ગૃહમંત્રીએ મૃતક બજરંગ દળ કાર્યકરના સંબંધીઓ સાથે મુલાકાત કરી છે.
કર્ણાટકમાં હિજાબ વિવાદ વચ્ચે બજરંગ દળ સૌથી વધુ સક્રિય છે. આ સિવાય કર્ણાટકમાં ઘણા હિંદુ સંગઠનો શાળા અને કોલેજોમાં હિજાબ પહેરવાનો વિરોધ કરી રહ્યા છે. આ કાર્યકર્તાઓ હિજાબના વિરોધમાં કેસરી શાલ પહેરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
હિજાબ કેસની આજે સુનાવણી
કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી થવાની છે. અગાઉની સુનાવણીમાં કર્ણાટક હાઈકોર્ટે ધાર્મિક વસ્ત્રો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે ચુકાદો આવે ત્યાં સુધી હિજાબ કે કેસરી શાલ પર પ્રતિબંધ રહેશે. આ સિવાય કર્ણાટક લઘુમતી આયોગે પણ આવો જ આદેશ જારી કર્યો છે.