સુરતમાં ઔદ્યોગિક વિકાસ સાથે સાથે છેલ્લાં દોઢ દાયકમાં ક્રાઈમ રેશિયો વધી ગયો છે. ઉધના, પાંડેસરા, લિંબાયત ઉપરાંત હવે રાંદેર રોડ વિસ્તારમા પણ મારામારી, લૂંટફાટ, હત્યાની ઘટના ઘટી રહી છે. તાજેતરમાં જ સુરતમાં માસીયાઈ ભાઈએ વહેમને કારણે ભાઈની હત્યા કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. સુરતના હીરાબુર્સમાં બનેલી ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, સુરતના ડાયમંડ બુર્સમાં કલરકામ કરતા ઇમરાન નામના યુવકની પત્ની સાથે ઈમરાનનો માસીયાઈ ભાઈ વસીમ ઘણા સમયથી વાતચીત કરતો હતો. જે ઈમરાનને ગમતુ ન હતુ. તેથી ઈમરાને માસીયાઈ ભાઈ વસીમની હત્યા કરવાનું વિચાર્યું હતુ. દરમિયાનમાં ઈમરાને પહેલા વસીમનું ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ માથામાં પાઈપના પાંચથી છ ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને કારણે ઈમરાનનું મોત નિપજ્યું હતુ. વસીમ મોતને ભેટ્યો હોવાનું જાણ ઈમરાન પહેલા તો ગભરાયો હતો. પરંતુ તે પછી વસીમના મોત માટે તેને આરોપી ન બનાવાય તે માટે તેણે તરત જ વસીમના મૃતદેહને કલરના ગોડાઉનમાં સંતાડી દીધો હતો. લાશને ગોડાઉનમાં રાખ્યા બાદ કઈ બન્યું જ ન હોય તે રીતે ઇમરાન વર્તવા માંડ્યો હતો.
બીજી તરફ વસીમ ગાયબ હોવાથી તેના મામા અલી પઠાણે ઇમરાનને બોલાવીને માસીયાઈ ભાઈ વસીમ વિશે પુછતાછ કરી હતી. આ સમયે ઈમરાને મામા સમક્ષ પોતે જ વસીમ હત્યા કરી નાંખી હોવાનું કબૂલ્યું હતુ. ઈમરાને તેના મામાને કહ્યું હતુ કે, વસીમ મારી પત્ની સાથે ફોન ઉપર વારંવાર વાત કરતો હતો. જે બાબત મને પસંદ નહતી. આથી મેં વસીમને વારંવાર ટકોર કરી હતી. પરંતુ તે સુધર્યો ન હતો, તેથી તેની હત્યા કરવાનું વિચાર્યું હતુ. ઈમરાનની આ કેફિયત બાદ તેના મામા અલી નૌશેઅલી પઠાણે પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી દીધી હતી. જેને પગલે હરકતમાં આવેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને ગોડાઉનમાંથી શોધી કાઢી હતી.
પોલીસે વસીમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હત્યાની આ ઘટનાને પગલે સુરતના મુસ્લિમ સમાજમાં ચકચાર મચી ગઈ છે. વસીમના મામા અલી નૌશેઅલી પઠાણે ઘટના અંગે કહ્યું હતુ કે, મૃતક વસીમ થોડા દિવસો પહેલા જ વતનથી કામ કરવા માટે આવ્યો હતો અને તેના લગ્ન થયા નહોતા. હું, ઈમારાન, વસીમ અને સમીર ડાયમંડ બુર્સમાં કલરનું કામ કરતા હતા. જ્યારે હું ઉપરના માળે ગયો ત્યારે બપોરે સમીરનો મારા પર ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે, વસીમ પાણી પીવા માટે ગયો છે. પણ પરત આવ્યો નથી. ત્યારબાદ તે એક વાગ્યે જમવા પણ આવ્યા ન હતા. જે બાદ વસીમની શોધખોળ કરાઈ હતી. પરંતુ તેનો પતો લાગ્યો ન હતો. મૃતક યુવક પણ ડાયમંડ બુર્સ સાઈટ પર જ ફરજ બજાવી રહ્યો હતો. આખરે યુવક વસીમ વિશે અમે ઈમરાનને જ પકડીને પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવી ગયો હતો.