ઈલોન મસ્કે 2020મા સૌથી વધુ ઝડપથી સંપત્તિ મેળવવાનો રેકોર્ડ કર્યો હતો. જો કે હાલમાં અમેરિકાની સૌથી મોટી ઈલેક્ટ્રિક ઓટો ઉત્પાદક ટેસ્લાના શૅર્સમાં ભારે વેચવાલી થતાં ઈલોન મસ્કે ચાર જ દિવસમાં ૨૭ અબજ ડોલર ગુમાવી દીધા છે. ઉલોન મસ્ક ગત વર્ષે જ દુનિયાના ધનિકોની યાદીમાં ટોચ પર રહ્યા હતા. હાલમાં તેમણે ગુમાવેલી રકમ ભારતના બે અગ્રણી ઉદ્યોગપતિઓ અઝીમ પ્રેમજી અને ઉદય કોટકની કુલ સંપત્તિ કરતાં પણ વધારે છે. માર્ચના પહેલા સપ્તાહે વિશ્વના નં.-૧ ધનિક તરીકે જેફ બેઝોસને હટાવીને તેમણે સ્થાન મેળવ્યું હતું. મસ્કની સંપત્તિમાં ઘટાડો તેની ચઢતીના વેગ જેટલો જ અસાધારણ છે.
મળતી વિગતો મુજબ શુક્રવારે ટેસ્લા કંપનીના શેરની કિંમતમાં ભારે કડાકો બોલાયો હતો. જેમાં અમેરિકાના શેર માર્કેટમાં તેની કિંમતમાં ૩.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ શુક્રવારે સાંજે તેની કંપનીના શેર ૫૯૭.૯૫ ડોલરની સપાટીએ બંધ થયા હતા. આ પહેલાં તેના શેર ૧૩ ટકા જેટલા ગગડી ગયા હતા. એટલે કે, છેલ્લાં ચાર દિવસમાં જ મસ્કને થયેલી નુકસાનીનો આંકડો ૨૭ અબજ ડોલરે પહોંચ્યો હતો. જો કે, ૧૫૬.૯ અબજ ડોલરની નેટ વર્થ સાથે ઈલોન મસ્ક હજી બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં બીજા ક્રમે દેખાય રહ્યા છે. જો કે, ચાર પાંચ દિવસમાં થયેલા નુકસાન પછી તેઓ દુનિયાના સૌથી ધનિક જેફ બેઝોસ કરતાં ૨૦ અબજ ડોલર જેટલી ઓછી સંપતિ ધરાવતા ધનિક છે. ટેસ્લાના શૅર વર્ષ ૨૦૨૦માં ૭૪૩ ટકા ઊછળ્યા હતા. પરિણામે તેની સંપત્તિના મૂલ્યમાં જંગી ઊછાળો આવ્યો હતો અને તેના ઐતિહાસિક ‘મૂનશોટ’ વળતર પેકેજ મારફત મસ્કની સંપત્તિ અબજો ડોલર વધી હતી.
અહેવાલો મુજબ 2021ની શરૃઆતમાં જાન્યુઆરી મહિનામાં મસ્કે અમેઝોનના વડા જેફ બેઝોસને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના પદેથી પાછળ છોડ્યા હતા. આ સમયે મસ્કની સંપત્તિ ૨૧૦ અબજ ડોલર નોંધવામાં આવી હતી. જો કે, અમેરિકામાં ચૂંટણી સંપન્ન થયા બાદ સત્તાના હસ્તાતરણની ઘટના પછી ત્યાં ટેસ્લાના શૅરમાં તેજી જોવા મળી હતી. મસ્કની સંપત્તિમાં વધારો માત્ર ટેક્નોલોજી ઉદ્યોગના લાભને કારણે જ ન હતો. તાજેતરમાં બિટકોઈનના ભાવની સાથે મસ્કની સંપત્તિમાં વધારો થયો હતો. ટેસ્લાએ ગયા મહિને જણાવ્યું હતું કે, તેણે ગયા મહિને તેની બેલેન્સશીટમાં ક્રિપ્ટો કરન્સીના ૧.૫ અબજ ડોલર ઉમેર્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2021ના પ્રથમ બે મહિનામાં જ દુનિયાના ધનિકોમાં વારંવાર ફેરફારો નોંધાઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં એશિયાના સૌથી ધનિક અને ચીનના બોટલ વોટર ટાયકૂન ઝોન્ગ શાનશાનની સંપત્તિમાં કેટલાક દિવસમાં ૨૨ અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો હતો. જેને કારણે મુકેશ અંબાણીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મળ્યું હતુ.