બીલીમોરા નાં ગૌહરબાગ માં રહેતી વૃદ્ધ મહિલા કોરોના સંક્રમણ ની સારવાર બાદ સ્વસ્થ થયાં હતા. સોમવારે બપોરે એકાએક તેમનું અવસાન થયું હતું. દરમિયાન કોરોના નાં ડર વચ્ચે એકતા ટ્રસ્ટ નાં યુવાનો વહારે આવ્યા હતા. અને હિંદુ રીતરિવાજો અનુસાર વૃદ્ધા નાં અંતિમ સંસ્કાર કરી અનેકતા માં એકતા નાં દર્શન કરાવી માનવતા મહેકાવી હતી. બીલીમોરા નાં ગૌહરબાગ રાજભોગ સર્કલ સોમનાથ માર્ગ લગોલગ હોમઝર્દબાગ બહુમાળી બિલ્ડીંગ આવેલી છે. જેના ચોથા માળે આવેલા ફ્લેટ માં અરવિંદભાઈ બક્ષી (૭૫) અને તેમના ધર્મપત્ની વિમલાગૌરી બક્ષી (૭૦) રહેતા હતા. તેમનો પરીવાર અમેરિકા માં સ્થાયી છે. જ્યારે વયોવૃદ્ધ દંપતિ બીલીમોરા માં રહેતું હતું. કેટલાક સમય અગાઉ વૃદ્ધા માં કોરોના નાં લક્ષણ દેખાયા હતા. જેની સારવાર કરાવી સ્વસ્થ થયાં હતાં. દરમિયાન સોમવાર બપોરે વૃદ્ધા એકાએક અવસાન પામ્યા હતા.
જે જોઈ પતિ સ્તબ્ધ બન્યો હતો. અને પરીવાર વતન થી સેંકડો કિલોમીટર દૂર હોય અંતિમવિધિ કેવી રીતે પાર પાડવી તેની મથામણ માં મુકાયા હતા. કારણ કે સ્થાનિકો માં કોરોના નો ડર હતો. આ સમગ્ર ઘટના ની જાણ પડોશ ની બિલ્ડીંગ માં રહેતા મુસ્લિમ અગ્રણી હનીફભાઈ શેખ અને જાવેદભાઈ બાના ને થઈ હતી. તેમણે મુસ્લિમ સમાજ નાં સેવાભાવી એકતા ટ્રસ્ટ ને જાણ કરતા અખ્તર છાપરીયા, હુમાયુ મુલતાની, મોહસીન ખલિફા, સાજીદ ખાન, ફિરોઝ સૈયદ, સોહીલ, જિશાન સહીત કાર્યકરો એમ્બ્યુલન્સ સાથે સ્થળ ઉપર ધસી આવ્યા હતા. અને મૃતદેહ ને હિંદુ રીત રિવાજ અનુસાર ગરીમાપૂર્ણ ખાંધ આપી ચોથા માળે થી નીચે લઈ આવ્યા હતા. મૃતક વિમલાગૌરી બક્ષી ની હિંદુ વિધિવિધાન પૂર્વક તમામ રીત રિવાજો પાળી ને સ્મશાન ભૂમિ માં અંતિમવિધિ કરાઈ હતી. આમ બીલીમોરા એકતા ટ્રસ્ટ એ માનવીય અભિગમ સાથે કોમી એકતા નાં સંદેશા ને સાર્થક કર્યો હતો. એકતા ટ્રસ્ટ નાં કર્મવીરો ની કામગીરી ને લોકો એ બિરદાવી હતી.