સુરતમાં છેલ્લાં દોઢ બે દાયકાથી મારપીટ, હત્યા, ગેંગવોર, ચોરી તથા રેપ સહિતની ઘટના વધી છે. ઔદ્યોગિક વિકાસ સાથે જ પરપ્રાંતીયોની વસ્તી વધતા ક્રાઈમ રેટ પણ વધી રહ્યો છે. દરમિયાનમાં ગુરુવારે સુરતમાં અપરાધીઓને પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ અપહરણનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ અપહરણકારોએ એક કાર વડે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યા બાદ બિઝનેસમેનનાં પુત્રને કારમાં જબરદસ્તી ઉઠાવી લીધો હતો. આ ઘટના વિશેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટના બાદ તે અપહૃત પુત્રના પિતા પાસે અપહરણકારોએ 3 કરોડની ખંડણી માગી હોવાની ચર્ચા વહેતી થઈ હતી. આ મામલે પોલીસને જાણ થતાં તરત જ હરકતમાં આવીને તપાસ આરંભી હતી. તપાસમાં બહાર આવ્યું કે, સુરતના ભટાર રોડ પર આવેલી કરીમાબાદ સોસાયટીમાં રહેતા વેપારીનો પુત્ર સવારે જીમ જવા માટે બાઈક પર નીકળ્યો હતો. તે સમયે અજાણ્યો શખ્સોએ તેની બાઈકને કાર વડે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં યુવક રસ્તા પર પડી જતાં અજાણ્યા શખ્સોએ તરત જ તેને ઉઠાવીને કારમાં બેસાડી લીધો હતો. વેપારીપુત્રના અપહરણને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આસપાસની દુકાનોના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. જેમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણકારો સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસના જણાવ્યા મુજબ યુવકના અપહરણ અગાઉ અપહરણકારોએ રેકી કરી હતી. સાથે જ યુવકના આવવા જવા સહિતની તમામ બાબતોને અગાઉથી મોનિટર કરી હતી. ખંડણીની વાતો પણ આ ઘટના સાથે સંકળાયેલી હોય તેવી અટકળોને પોલીસે નકારી કાઢી હતી.