એક વિશાળ એસ્ટરોઇડ તોફાની રફતારથી ધરતીની કક્ષામાં આવી રહ્યો હોવાનો દાવો અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAએ કર્યો છે. આ દાવા સાથે જ વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે. હાલમાં નાસા દ્વારા આ પથ્થર પર સતત નજર રાખવાનું શરુ કરી દેવાયું છે. નાસાના જણાવ્યા પ્રમાણે એક મોટો પથ્થર કેટલાક કલાકોથી ધરતી તરફ આવતો દેખાય છે. આ એસ્ટરોઇડનું નામ ‘2008 GO20’ છે. NASAએ તેને ખતરનાક એસ્ટરોઇડની શ્રેણીમાં મૂકયો છે. આકારમાં લંડનના ખૂબ જ ચર્ચિત બિગ બેનના આકાર કરતાં તે બમણો છે. આ એસ્ટરોઇડ 20 મીટર પહોળો છે અને તે 8 કિમી પ્રતિ સેકન્ડની ઝડપથી ધરતી પાસેથી પસાર થાય તેવી શકયતા છે. હાલની આ પથ્થરની ઝડપ યથાવત રહે તો આગામી 25મી જુલાઇએ આ વિશાળ એસ્ટરોઇડ ધરતીની કક્ષા પાસેથી પસાર થશે. નાસા હાલ બે હજાર એસ્ટરોઇડ પર નજર રાખી રહ્યું છે, જે ધરતી માટે ખતરો બની શકે છે.
એસ્ટ્રોઈડ વિશે નાસાના સંશોધકોએ કહ્યું હતુ કે, નાસાના જણાવ્યા મુજબ જો કોઇ તેજ રફતાર સ્પેસ ઓબ્જેક્ટ ધરતીથી 46.5 લાખ માઇલથી અંદાજે આવવાની સંભાવના હોય છે તો તેને સ્પેસ ઓર્ગેનાઇઝેશન્સ ખતરનાક માને છે. આવનારા 100 વર્ષમાં હાલ 22 એવા એસ્ટરોઇડસ છે જેની પૃથ્વીથી ટકરાવાની આશંકા છે. અંદાજે 4.5 અબજ વર્ષ પહેલાં સોલાર સિસ્ટમ બની હતી ત્યારે ગેસ અને ધૂળના એવા વાદળો જે કોઇ ગ્રહનો આકાર લઇ શકતા ન હતા. તે પાછળ છૂટી જતાં એસ્ટરોઇડસમાં ફેરવાયા હતા. આ જ કારણ છે કે તેનો આકાર પણ ગ્રહોની જેમ ગોળ હોતો નથી. કોઇપણ બે એસ્ટરોઇડ એક જેવા હોતા નથી. એસ્ટરોઇડસ એ પથ્થર હોય છે જે કોઇપણ ગ્રહની જેમ જ સૂર્યના આટાફેરા કરતો હોય છે. જો કે તેનો આકાર ગ્રહો કરતા થોડો નાનો હોય છે. સોલર સિસ્ટમમાં મોટાભાગે એસ્ટરોઇડસ મંગળ ગ્રહ અને ગુરૂ એટલે કે માર્સ અને જ્યુપિટરની કક્ષામાં એસ્ટરોઇડ બેલ્ટમાં જોવા મળે છે. આ સિવાય પણ બીજા ગ્રહોની કક્ષામાં ફરતા રહે છે અને ગ્રહની સાથે સૂર્યના આંટા મારે છે.
નાસાએ હાલ ધરતી તરફ આવતા દેખાતા એસ્ટરોઇડ પર બાજ નજર રાખી છે. ભારતના સમય મુજબ 25મી જુલાઇના રોજ રાત્રે અંદાજે બે વાગ્યે તે ધરતી પાસેથી પસાર થશે. જે કક્ષમાંથી આ એસ્ટરોઇડ પસાર થશે તેને અપોલો કહેવાય છે. બીજી તરફ મીડિયાના અહેવાલો પ્રમાણે હાલ જે એસ્ટરોઇડના ધરતી પાસેથી પસાર થવાનો છે તે ધરતી સાથે ટકરાઈ તેવી શકયતા ઓછી છે.