ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે ખુબ કફોડી છે. પહેલા તૌકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો અને હવે વરસાદને લીધે ખેડૂતોની માઠી દશા બેઠી છે. ગુજરાતના મોટાભાગના ડેમ અને તળાવો ખાલીખમ્મ છે. રાજ્યમાં પથરાળ વિસ્તારોમાં વાવાઝોડાના માવઠા અને આગોતરા વરસાદે જે તળ વધ્યા હતા એ હવે છેડે આવી ગયા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધીને આવેદન આપ્યું છે. નવસારી આમ આદમી પાર્ટીએ પણ નવસારી જિલ્લા કલેક્ટરને આ આવેદન સુપરત કર્યુ હતુ. આમ આદમી પાર્ટીના આવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ પર આંકડા કહે છે કે, જૂન-જુલાઈ-27 ઓગસ્ટ સુધીની – જિલ્લાવાર વરસાદની ટકાવારી ખુબ ચિંતાજનક છે.
આંકડાઓ અનુસાર ગુજરાતના 5 વિસ્તારોમાં 27 ઓગસ્ટ સુધીમાં કચ્છમાં સરેરાશ 31.74 %, ઉત્તર ગુજરાતમાં 31.98%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37.93%, સૌરાષ્ટ્રમાં 37.05% અને દક્ષિણ ગુજરાતમાં 51.31% વરસાદ થયો છે. આ આવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કચ્છમાં 68.26%, ઉત્તર ગુજરાતમાં 68.02 %,પૂર્વ-મધ્ય ગુજરાતમાં 62.07 %, સૌરાષ્ટ્રમાં 62.95 % અને દક્ષિણ ગુજરાતમાં 68.69 % વરસાદની ઘટ છે. આખા ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 41.71% છે એટલે રાજ્યમાં વરસાદની 30 વરસની સરેરાશ સામે આ વર્ષે વરસાદની 58.29 %ની ઘટ છે. આમ આદમી પાર્ટીએ પોતાના આવેદનમાં ગુજરાત સરકારને સ્પષ્ટ માગણી કરી છે કે સરકાર પાસે હાલ જે યોજનાઓ છે તેનો વખતસર અમલ શરુ કરે, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજનાઓ બનાવી તાત્કાલિક અમલ શરૂ કરે.
આમ આદમી પાર્ટીએ આવેદનમાં માંગ કરી છે કે 1: એસડીઆરએફ: ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટરદીઠ રોકડ રકમ ચૂકવવી, રકમમાં ભાવવધારાને ધ્યાને રાખી વધારો કરવો જરૂરી છે. 2: મુખ્યમંત્રી કિસાન સહાય યોજના: એસડીઆરએફના ધોરણે જ સર્વે કરી જે જે ખેડૂતોને નુકશાન થયું હોય એ પ્રમાણે ભાવવધારાને ધ્યાનમાં રાખી વળતર ચૂકવવું. 3: ખેડૂતો નથી એમના માટે દુષ્કાળ મેન્યુઅલમાં વરસાદની આનાવારી (ટકાવારી) પ્રમાણે કરવાનાં કામો – (1) ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવી, (2) ગામનું કોઈ પરિવાર રાશનકાર્ડ ના ધરાવતું હોય છતાં જો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદવા માગતું હોય તો તમામ માટે પૂરતા અનાજની જોગવાઈ કરવી, (3) પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, (4) જરૂરિયાત મંદો માટે તરત જ રાહતકામો શરૂ કરવા જોઈએ.