હાલના દિવસ પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એ ઉત્તમ માધ્યમ ગણાય છે, જો કે, કેટલાક યુવાનો ભાન ભૂલીને મોટા નેતાઓ કે સેલિબ્રિટીઓ પર અભદ્ર ટીપ્પણી કરતા હોય છે જેના પરિણામ સ્વરૂપ સાયબર ક્રાઈમના ગુના નોંધવામાં પણ આવે છે દોષિત ઠરે છે અને પોલીસ ફરિયાદ થતા જેલની હવા ખાવી પડે છે. નવાસીરીના ગણદેવી તાલુકાના બીલીમોરા વિસ્તારમાં રહેતા એક આવા જ યુવાને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરૂદ્ધ ટ્વીટર પર અભદ્ર ટિપ્પણી કરતા વિવાદ થયો છે. આ મામલે હવે પોલીસ ફરિયાદ થતા પોલીસે યુવાનની ધરપકડ કરી છે.
ગણદેવી તાલુકાના બીલીમોરામાં રહેતા અને ટ્વિટર પર મહેતા હિતાંશુ નામનું એકાઉન્ટ ધરાવતા યુવાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ પોસ્ટ ટ્વિટર પર વાયરલ થઇ હતી તો સાથે સાથે તેના સ્ક્રીનશોટ વોટ્સએપ પર પણ ફરતા થયા હતા. આ પોસ્ટને લઈને ગોવિંદ ભઠ્ઠલા ગામે રહેતા ડેનિસ પટેલ નામના કાર્યકરે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે હવે મહેતા હિતાંશુની અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલના જ દિવસોમાં સોશિયલ મીડિયા પર વીડિયો મૂકવાને કારણે ધંધુકા તાલુકાના યુવાન કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં સોશ્યલ મીડિયાના માઠા પરિણામ જોવા મળી રહ્યા છે. ત્યારે ધર્મ, જાતિ, જ્ઞાતિ વિરોધની પોસ્ટ સોશિયલ મીડિયા પર ન મૂકવામાં આવે તેવી અપીલ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે.