અત્રે ગણદેવી ખાતે દિવ્યાંગ કેર ફાઉન્ડેશન-નવસારી, ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ-ગણદેવી, ગણદેવી સેવા સમાજ ઓફ નોર્થ અમેરિકા તથા મંગલા-પ્રેમ ટ્રસ્ટ-બારડોલી દ્વારા ૧૨૬ જેટલાં લાભાર્થીઓને કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, કેલિપર્સ, વ્હીલચેર, વોકર, સ્ટીક વગેરે જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય સંસદસભ્ય સી.આર.પાટિલના નેતૃત્વ હેઠળનું દિવ્યાંગ કેર ફાઉન્ડેશનના સંજય નાયક, ટ્રસ્ટ પ્રમુખ અશોક પટેલ તથા રત્નનિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નંદાબેન ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ યોજાયેલ કૃત્રિમ હાથ-પગ મેઝરમેન્ટ તથા નિદાન કેમ્પમાં નોંધાયેલા ૨૨૪ દર્દીઓ પૈકી આ ૧૨૬ દર્દીઓને તેમના હાથ અને પગના માપ અને જરૂરિયાત મુજબ બનાવાયેલા કૃત્રિમ હાથ-પગનું ફીટિંગ આ કેમ્પમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ભરૂચથી માંડીને સેલવાસ સુધીના લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ૧૩ જેટલાં લાભાર્થીઓને વ્હીલચેર-વોકર-સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ૧૧૩ જેટલાં દિવ્યાંગોને કૃત્રિમ પગ(જયપુર ફૂટ) તથા કૃત્રિમ હાથ અને કેલિપર્સ આપવામાં આવ્યાં હતાં.