યજમાન ગુજરાતની ટીમને વોલીબોલ મેન્સ ઇવેન્ટમાં અંતિમ 4 ટીમો સુધી દોરી જનાર સફળ સુકાનીએ ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્વોટામાં ખેલાડીઓની ભરતીની અતિ આવશ્યક્તા હોવાની વાત ઉચ્ચારી છે. 36મા નેશનલ સ્પોર્ટ્સમાં ગુજરાત વોલીબોલ ટીમના સુકાની અને ઇન્ટરનેશનલ વોલીબોલ પ્લેયર દિલીપ ખોઇવાલે કહ્યું હતુકે, ગુજરાતમાં સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સગવડતાઓ સારી રીતે પૂરી પાડવામાં આવી રહ્યું છે, પરંતુ દુ:ખની વાત એ છે કે, ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્વોટની ભરતીનો સદંતર અભાવ છે તેના કારણે ટેલેન્ટેડ યુવા ખેલાડીઓ રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાં જતા રહે છે. કોઇપણ ખેલાડી માટે સ્પોર્ટ્સ ઉપરાંત રોજગારીની અતિ આવશ્યક્તા હોય છે. વર્ષ 2009થી 2015 સુધીમાં વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપ, સીનિયર એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ, એશિયા કપ જેમાં ભારત બ્રોન્ઝ મેડલ વિજેતા બન્યુ હતુ, એશિયન ગેમ્સમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરી ચૂકેલા દિલીપ ખોઇવાલે કહ્યુ હતુકે, ભાવનગર ખાતે રમાઇ રહેલી નેશનલ ગેમ્સની વોલીબોલ સ્પર્ધામાં ઓછા પ્રચલિત ખેલાડીઓ પરંતુ ટેલેન્ટેડ યુવા ખેલાડીઓથી ભરેલી ગુજરાતની ટીમે સેમિફાઇનલ સુધીની સફર ખેડી છે, (સેમિફાઇનલ સોમવારે મોડી રાત્રે રમાઇ રહી છે). અમારી ટીમને અહીંથી મેડલની આશા છે અને ભવિષ્યમાં પણ ટીમ સારો દેખાવ કરશે. ગુજરાતના ખેલાડીઓનું ફિટનેસ લેવલ ઇમ્પ્રૂવ થતુ જાય છે, અને અંડર-20 તથા અંડર-18ની ભારતીય ટીમમાં પણ ગુજરાતના ખેલાડીઓ સારો દેખાવ કરી રહ્યા છે. સુકાની દિલીપના મતે ગુજરાતમાં ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાથી સારૂ પ્લેટફોર્મ યુવા અને નવોદિત ખેલાડીઓને મળે છે. જેના કારણે નાના નાના ગામડાઓમાંથી પણ ગુજરાતની ટીમને ગ્રાસરૂટ લેવલથી ખેલાડીઓ સતત મળી રહ્યા છે. આગામી સમય ગુજરાતનો છે. હજુપણ સતત મેચ પ્રેક્ટિસ મળી રહે તે દિશામાં વિચારવું જરૂરી છે.