નવસારી:આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન વઘઇ-બીલીમોરા નેરોગેજ રેલવે લાઇન જે લોકડાઉન સમયમાં બંધ થઈ જવા પામી હતી તે પુન:શરૂ કરવાની તૈયારી શરૂ થઈ જવા પામી છે તો આવનારા નજીકના દિવસો આ ટ્રેન પાટે દોડતી જોવા મળે તેવી શકયતા જોવાતા આ વિસ્તારની જનતામાં આનંદની લહેર ફેલાવા પામી છે. ગાયકવાડ જમાનાની ઐતિહાસિક વઘઇ-બીલીમોરા ટ્રેન જે લોકડાઉન સમય દરમિયાન બંધ થઈ જવા પામી હતી.આ વિસ્તારના ખેડૂતો તેમજ નોકરિયાત વર્ગ માટે આશીર્વાદરૂપ સમાન ટ્રેન બંધ થઈ જતા લોકોમાં ભારે દુઃખની લાગણી ફેલાવાની સાથે જ મુશ્કેલીમાં વધારો થઈ જવા પામ્યો હતો.
ત્યારબાદ આદિવાસી વિસ્તારના યુવા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ રેલવે લાઇન પુન: પાટે ચઢે તે માટે અથાગ પ્રયાસો કર્યા તો જરૂર પડ્યે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ પણ અપનાવ્યો અને આ ટ્રેન રાબેતામુજબ શરૂ થાય તે માટે ધારદાર રજુઆત અવિરતપણે ચાલુ જ રાખી હતી. આ રેલવે લાઇન પર ટ્રેન શરૂ થાય તે માટે આ આદિવાસી વિસ્તારની જનતાના આતુરતાનો અંત ધીમેધીમે આવી રહ્યો હોવાનું જણાય રહ્યું છે.હાલ આજરોજ પણ ટ્રેનના એન્જીનથી ટ્રાયલ શરૂ કરવામાં આવી હોવાનું જણાય રહ્યું છે.અને સતત અત્યારે થોડા સમય ટ્રાયલ પૂર્ણ કરીને આ ટ્રેન રાબેટામુજબ દોડાવાશે તેમ જાણવા મળ્યું છે. આ સુરત,નવસારી,અને ડાંગ જિલ્લાના ગામોમાંથી પસાર થતી ટ્રેન શરૂ થવાના ભણકારા સાથે જ સમગ્ર વિસ્તારની જનતા ખુશખુશાલ થઈ જવા પામી છે.
આ આપણી એકતાની જીત છે:અનંત પટેલ
ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આ આપણી પોતીકી ઐતિહાસિક ટ્રેનનું અસ્તિત્વ ટકાવી રાખવું એ આપણી ફરજ છે લોકડાઉન સમયમાં ટ્રેન બંધ થયા બાદ આપણા સૌની લડત રંગ લાવી છે અને ટૂંક સમયમાં આ ટ્રેન ફરી આપણા માટે ઉપયોગી બનશે.આ આપણી એકતાની જીત છે જેને લીધે જ આપણી જીવાદોરી સમાન આ ટ્રેન પાટે ટૂંક સમયમાં દોડતી થશે.