બ્રિટનમાં દેખા દીધેલા કોરોનાના નવા સ્ટ્રેન બાદ ભારત સરકાર દેશમાં માર્ગર્શિકાના કડક અમલ કરાવવાની દીશામાં આગળ વધી રહી છે. સોમવારે આરોગ્ય મંત્રાલય તથા ગૃહવિભાગે આ અંગે સત્તાવાર નિવેદન સાથે રાજ્યો અને પ્રદેશોને વિવિધ પ્રવૃત્તિઓના સંદર્ભમાં સૂચવેલી SOPનું ગંભીરતાથી પાલન કરવા તાકીદ કરી હતી.
સોમવારે ભારતમાં એક દિવસમાં કોવિડ -19ના 20,021 નવા કેસ મળ્યા હતા. આ સાથે જ દેશમાં વાયરસના કેસો વધીને 1,02,07,871 થઈ ગયા હતા. જો કે, કુલ કેસ પૈકી 97.82 લાખથી વધુ લોકો રિકવર થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ચોપડે સોમવારે કોરોનાને કારણે વધુ 279 લોકોના મોત થયા હતા. તે સાથે જ કુલમૃતાંક 1,47,901 થઈ ગયો હતો. બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને પગલે સરકાર હવે વધુ સતર્કતા દાખવી રહી છે. ભારતમાં એક દિવસમાં કોવિડ -19ના 20,021 નવા કેસથી આરોગ્ય મંત્રાલય તરત જ હરકતમાં આવ્યું હતુ. તેણે કન્ટેન્મેન્ટ ઝોનનું કાળજીપૂર્વક સીમાંકન ચાલુ રાખવા રાજ્યો, પ્રદેશોને તાકીદ કરીને ગાઈડલાઈન જાહેર કરી હતી.
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જારી કરેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે વર્તમાન કોવિડ -19 માર્ગદર્શિકાને 31 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવી છે. બીજી તરફ ગૃહ મંત્રાલયે નિવેદનમાં નોંધ્યું હતુ કે, બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન બાદ ભારતવાસીઓએ પણ સાવધાન રહેવું આવશ્યક છે. ભારતમાં સક્રિય કોરોના કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે, પરંતુ વૈશ્વિક સ્તરે કેસ વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે.
ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોની સરકારો અને પ્રદેશના સત્તાધીશોને કન્ટેનમેન્ટ ઝોનને કાળજીપૂર્વક નક્કી કરવા સાથે કોવિડની માર્ગદર્શિકા તેમજ તેને કારણે અમલી પ્રતિબંધોનો કડકાઈ સાથે અમલ કરાવવા તાકીદ કરી હતી. ગૃહ મંત્રાલયે રાજ્યો અને પ્રદેશોને કહ્યું હતું કે, “કન્ટેન્મેન્ટ ઝોનનું કાળજીપૂર્વક સીમાંકન ચાલુ રાખવું જોઈએ. કન્ટેનમેન્ટ ઝોનમાં ચેપ ફેલાતો રોકવા માટે કડક પગલા ભરવા ફરી જરૃરી જણાય રહ્યા છે. કોવિડને રોકવા માટે કોઈપણ યોગ્ય પગલાને પ્રોત્સાહન આપવું જોઈએ. સાથે જ જોગવાઈનો કડક અમલ કરવો જોઇએ.