ભારતમાં કોરોના વાઇરસની એક નવી સ્ટ્રેઇન મળી છે, એપી સ્ટ્રેઇનના નામે ઓળખાતી આ નવા સ્ટ્રેઇનને N440K જેવું વૈજ્ઞાનિક નામ અપાયું છે. સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના વિજ્ઞાનીઓએ શોધેલી આ નવી સ્ટ્રેઇન 15 ઘણી વધુ સંક્રામક છે. તેને કારણે લોકો 3 થી 4 દિવસમાં જ બિમાર થઇ જાય છે. એપી સ્ટ્રેઇન સૌ પહેલાં આંધ્રપ્રદેશના કુરનૂલમાં શોધાઇ હતી. આ વેરિયન્ટ B1.617 અને B1.618 વેરિયન્ટ કરતાં વધુ શક્તિશાળી છે. વિશાખાપટ્ટનમના ડિસ્ટ્રીક્ટ કલેક્ટર વી.વિનયચંદે જણાવ્યું કે, સીસીએમબીમાં આ સમયે કેટલાય વેરિયન્ટની તપાસ થઇ રહી છે. કયો વેરિયન્ટ કેટલો ખતરનાક છે, તે સીસીએમબીના વિજ્ઞાનીઓ જ જણાવી શકે છે. પરંતુ એ વાત સત્ય છે કે નવો સ્ટ્રેઇન મળ્યો છે. તેના સેમ્પલ લેબમાં મોકલાયા છે.
એવું જોવા મળ્યું છે કે કોરોના વાઇરસનો નવો એપી સ્ટ્રેઇન ખૂબ જ જલ્દી વિકસે છે. તેનો ઇન્ક્યુબેશન પીરિયડ અને બિમારી ફેલાવવાની સમયમર્યાદા ઓછી છે. તે કારણે જ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને વધુ લોકોને સંક્રમિત કરી રહ્યો છે. આ સ્ટ્રેઇનથી લોકો 3 થી 4 દિવસમાં જ ગંભીર હાલતમાં પહોંચી જાય છે. કોરોનાની પહેલી લહેર જેવી સ્થિતિ હાલમાં નથી. આ વખતે નવા વેરિયન્ટ ઝડપથી લોકોને બિમાર કરી રહ્યો છે. એપી સ્ટ્રેઇન વેરિયન્ટ અંગે હજુ વિજ્ઞાનીઓ પણ પરેશાન છે કેમકે તે અંગે હજુ વધુ અભ્યાસ થયો નથી, તેથી તેના લક્ષણ અંગે વધુ કાંઇ કહી શકાય એમ નથી. આ વાઇરસ ઝડપથી યુવાનોને નિશાન બનાવે છે. જેઓ પોતાની ફિટનેશ અંગે ખૂબ જ સાવચેત છે, એવા લોકોને પણ તે છોડતો નથી. ઇમ્યુનિટી ખૂબ શક્તિશાળી હોય એવા લોકો પણ તેના સંક્રમણથી બચી શકતા નથી. લોકોના શરીરમાં સાઇટોકાઇન સ્ટ્રોમ આવી રહ્યા છે.
દક્ષિણ ભારતમાં આ સમયે મુખ્ય પાંચ વેરિયન્ટ ફેલાયેલા છે. એમાં B.1, B.1.1.7, B1.351,B.1.617 અને B.1.36 નો સમાવેશ થાય છે. એવું જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં આ સમયે એપી સ્ટ્રેઇન ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ નવો સ્ટ્રેઇન દેશમાં અન્યત્ર ન ફેલાય એ માટે વિશેષ પગલાં ભરવાની જરૂર છે.