નવી દિલ્હી : મોદી સરકારના વિવિધ વિભાગો દર મહિને કોઈને કોઈ ફતવા જારી કરતા રહે છે. જેનાથી લોકોની સુવિધાને બદલે દુવિધા વધે છે. 2020માં ઓગસ્ટમાં મોટર વાહન સંશોધન બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેને મંજૂરી આપી હતી. આજે આ એક નવો મોટર વ્હીકલ એક્ટ દેશમાં લાગુ થઈ ગયો છે. નવા એકટથી નવા દંડ, નવા ધારાધોરણોથી અનેક સવાલો ઉભા થયા છે. નવા કાયદા પ્રમાણે ઇમરજન્સી વાહનોને રસ્તો ન આપવા અને ગેરલાયક હોવા છતાં વાહન ચલાવવા બદલ 10,000 રૂપિયા દંડની જ જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોનું ઉલ્લંઘન થયું હોય તેવા કિસ્સામાં એગ્રીગેટર્સને 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. હાઇ સ્પીડ પર વાહન ચલાવવા બદલ 1000 થી 2,000નો દંડ ભરવો પડે તેમ છે.
વીમા વિના વાહન ચલાવવા બદલ 2000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. સગીર વાહન ચલાવતા પકડાય તેવા કિસ્સામાં વાલી કે વાહનના માલિકને દોષી માની કાર્યવાહી કરાશે. જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ મામલે જુવેલાઇન એક્ટ હેઠળ સગીર સામે કાર્યવાહી થશે. સાથે જ જે તે વાહન નોંધણી રદ કરવાની સત્તા પણ સ્થાનિક અધિકારીને અપાય છે.
નવા કાયદામાં શું શુ જોગવાઈ છે તેની વિગતે છણાવટ કરીએ તો કલમ 178 હેઠળ હવે ટિકિટ વિના મુસાફરી કરવા માટે 500 રૂપિયાનો દંડ, કલમ 179 હેઠળ જો ઓથોરિટીનો ઓર્ડરને નહીં માનવામાં આવે તો 2000નો દંડ, 181 હેઠળ લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ 5000નો દંડ તથા કલમ 182 હેઠળ ગેરલાયક ઠરાવાયા બાદ પણ વાહન હંકારતા પકડાય તો 10,000 રૂપિયાના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત ઓવરસ્પીડિંગ માટે કલમ ૧33 હેઠળ એલએમવી માટે 1000 દંડ ચૂકવવો પડશે. આ જ કલમમાં એમપીવી હોય તો 2000 રૂપિયા દંડની જોગવાઈ છે.
નવા કાયદામાં પરમિટ વિના વાહન ચલાવકા પકડાય તો 1921 A હેઠળ 10,000 રૂપિયા સુધીનો દંડ અને લાઇસન્સના નિયમો તોડવા બદલ 25,000 થી 1 લાખ રૂપિયા દંડનો દંડ કલમ 193 હેઠળ જે તે વાહનચાલકને કરવાની જોગવાઈ છે. ઓવરલોડિંગ માટે કલમ 194 હેઠળ 2000 રૂપિયા અને 1000 રૂપિયાથી રૂ. 20,000 અને ટન દીઠ વધારાના 2000 રૂપિયા દંડ તથા જો ક્ષમતા કરતા વધારે મુસાફરો વાહનમાં હોય તો સેક્શન 194 એ હેઠળ હવે વધારાના મુસાફરો દીઠ 1000 રૂપિયાનો દંડ ફટકારવાની સત્તા અધિકારીને અપાય છે. જયારે જોખમી રીતે વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા સુધીનો દંડ, દારૂ પીધા બાદ વાહન ચલાવવા બદલ કલમ 185 હેઠળ 10,000 રૂપિયા દંડ, રેસીંગ કરવાના કિસ્સામાં કલમ 189 હેઠળ 5000 રૂપિયાનો દંડ થશે. વધુમાં સીટ બેલ્ટ ન હોય તો 1000, સ્કૂટર અને બાઇક પર વધુ ભાર હોય તો રૂ. 2000, હેલ્મેટ ન હોય તો 1000નો દંડ અને લાઇસન્સ 3 મહિના માટે રદ કરવા જેવી જોગવાઈ કાયદામાં કરાઈ છે.