કોરોના બાદ હવે મ્યુકર માયકોસીસ નામના ગંભીર રોગે ગુજરાતમાં કેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે સુરતમાં 20 લોકોની રોશની છીનવાઈ ગયા બાદ હવે તે સૌરાષ્ટ્રમાં ઉધમ મચાવી રહ્યો છે. રાજકોટમાં 400, મોરબીમાં 200, જામનગરમાં 35, હળવદમાં 6 અને પોરબંદરમાં 3 કેસ મ્યુકર માયકોસીસના નોંધાયા છે. જયારે અમરેલી યાર્ડના ચેરમેનનું મ્યુકર માઈકોસીસ બાદ બ્રેઈન સ્ટ્રોક આવવાથી મૃત્યુ થઈ ગયું છે. ગુજરાતમાં કોરોનાનુ સંકટ હજુ ગયું નથી ત્યાં હવે મ્યુકર માયકોસીસની બીમારીની નવી મુસીબત આવી પડી છે. કોરોના થયા બાદ ડાયાબીટીસના દર્દીઓ અને સ્ટીરોઈડ લીધા હોય તેવા દર્દીઓમાં આ બિમારી જોવા મળી રહી છે. ગત ગુરુવારે આ બિમારીને કારણે સુરતમાં 2 દર્દીઓએ પોતાની આંખની રોશની ગુમાવી દીધી હતી. આ ઘટનાના બીજા જ દિવસે સૌરાષ્ટ્રમાં તેના અધધ 700 કેસ સામે આવ્યા હતા. જેમાં મોરબીમાં ૨૦૦, જામનગરમા ૩૫, હળવદમા ૬ અને પોરબંદરમા ૩ કેસ નોંધાયા હતા. જયારે જૂનાગઢમા ૧૫થી ૨૦ દર્દીઓમા મ્યુકર માયકોસીસના લક્ષણો હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યુ હતુ.
મળતી વિગતો ચીતલ ગામના વતની અને અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન મોહનભાઈ નાકરાણી ૧૫ દિવસથી મ્યુકર માયકોસીસની બિમારીની રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમને નાક,આંખમા થઈને મગજ સુધી અસર પહોંચી હતી. જો કે તેમનુ બ્રેઈન સ્ટ્રોકના કારણે મૃત્યુ થયું છે. હળવદમા બે અને જામનગરમા ૧ દર્દીએ આંખની રોશની આ જ રોગને કારણે ગુમાવી દીધી હતી. હાલ મોરબીમાં મ્યુકોરમાઈકોસિસ ૨૦૦ કેસ એક્ટિવ છે. જેમાં દરરોજના ૨૦ કેસનો વધારો થઈ રહ્યો છે. સિવિલના ઈએનટી સર્જન ડો. નીરલ મોદીના જણાવ્યા મુજબ જામનગર જિલ્લામાં મ્યુકર માયકોસીસના ૨૦ દર્દી નોંધાયા છે. તેમજ જિલ્લામા એક દર્દીએ આ બિમારીને કારણે આંખની રોશની ગુમાવી છે. પોરબંદરની સરકારી કોવીડ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ભરચક છે ત્યારે કોરોનાની સારવાર લઈ રહેલ બે મહિલા અને એક પુરુષ મળી ત્રણ દર્દીઓમાં મ્યુકર માઇકોસીસનો રોગ જોવા મળ્યો છે. હળવદના ઈશ્વરનગરમાં મ્યુકર માયકોસીસે દેખા દીધી છે. અહીં રાતાભેર ગામના બનેસંગભાઈ પરમાર તેમજ રાજુભાઈ ચૌહાણને તેમજ મેરૂપર ગામના ત્રિભોવનભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ, દેવળીયા ગામના ઘીરજભાઈ અધારાના શરીરમાં મ્યુકર માઈકોસીસના લક્ષણો જોવા મળ્યા છે. આ તમામ દર્દીઓએ હાલ તેમની આંખોની રોશની ગુમાવી દીધી છે.
એ જ રીતે જૂનાગઢમાં આંઠ દિવસમાં ૧૫થી ૨૦ જેટલા દર્દીઓમાં મ્યુકર માયકોસીસના લક્ષણો જોવા મળ્યા છે. તબીબોના મતે મ્યુકરમાયકોસીસ જુનો રોગ છે, આંખ પાસે ફ્ંગસ થાય છે, તેના કારણે આંખ, કાન અને નાક જ્યાં આ ચેપ લાગે તેની આસપાસના હાડકાં સડી જાય છે, જેથી ના છુટકે તે હાડકા કાપીને તે જગ્યા સાફ કરીને સર્જરી કરાય છે. કોરોનાની સારવાર માટે જેમ રેમડેસીવર ઇન્જેક્શન જરૂરી છે, તેમ મ્યુકરમાયકોસીસની સારવાર માટે એમ્થોટેરીસીન બી નામનું ઇન્જેક્શન જરૂરી છે. સામાન્ય ઈન્ફેક્શન થાય, સાથે નાક બંધ થવું, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ્, રસી પડવી, તાવ અને તાળવું કાળા રંગનું થઈ જવુ સહિતના લક્ષણોને આ રોગ સાથે સાંકળવામાં આવ્યા છે. સારવારમાં એમ્ફેટેરેસિન-બીના ઇંજેકશનો ૧૫થી ૨૧ દિવસ સુધી આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીની પીડા દૂર કરવા માટે ઓપરેશનની આવશ્યકતા હોય તેવા કેસમાં ઓપરેશન કરીને નાકમાંથી મ્યુકરને દૂર કરવામાં આવે છે.