સમગ્ર દુનિયામાં સવા વર્ષથી તરખાટ મચાવી રહેલા કોરોના સામે માનવીને રક્ષણ આપતી વેકસીન તો શોધાઈ ગઈ છે. પરંતુ દુનિયામાં વેકસીનેશન ઝુંબેશ સાથે જ કોરોના વાયરસના નવા સ્ટ્રેન ફરી આક્રમકતા સાથે લોકોને શિકાર બનાવી રહ્યા છે. આ સાથે જ દુનિયામાં દરરોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. આમ છતાં કોરોનાને નાથવા માટે સંશોધકો દ્વારા પણ પ્રયાસો જારી રખાયા છે.
કોરોના વાયરસનો ખાતમો કરવા માટે હવે ટેબ્લેટ બનાવવામાં આવી રહી છે. આ ટેબ્લેટ ગળવાથી કોરોના વાયરસનો ખાત્મો થઈ જશે તેવો દાવો સંશોધકો કરી રહ્યા છે. અમેરિકાની બે કંપની મળીને આ ટેબ્લેટ બનાવી રહી છે જે કોવિડ-19નો ખાતમો કરવા સક્ષમ હશે. આ બે કંપનીઓનું નામ રિજબેક બાયોથેરાપ્યુટિક અને મર્ક છે. હાલ આ કંપનીઓ સયુક્ત રીતે ટેબ્લેટ બનાવી છે. સંશાધકોએ કરેલા દાવા પ્રમાણે કંપનીએ બનાવેલી ટેબ્લેટની ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. આ ટેબ્લેટ કોરોના વિરુદ્ધ અસરકારક સાબિત થઈ રહી છે.
ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ ટેબ્લેટનાં પોઝિટિવ પરિણામોથી કંપનીને આશા છે કે વેકસીનનો તે ઉત્તમ વિકલ્પ બની શકે છે. ટૂંક સમયમાં ઈન્જેક્શનના બદલે મોંઢેથી આ ટેબ્લેટ ગળવાની પદ્ધતિ પણ દુનિયામાં અમલી કરાશે. અમેરિકન એપિડેમિયોલોજિસ્ટ ડો. જિલ રોબર્ટ્સે આ વિશે ફોડ પાડ્યો હતો કે, હાલ ટેબ્લેટનું પરિક્ષણનું કાર્ય વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જો પરિણામો તમામ સ્તરે સકારાત્મક હશે તો નજીકના ભવિષ્યમાં કોરોનાને નાથવા માટે તેનો ઉપયોગ શરુ કરવા મંજૂરી મળી જશે. જો આ શક્ય બનશે તો હોસ્પિટલાઈઝેશન તથા મોતની સંભવિત અસંખ્ય ઘટનાઓને ચોક્કસ જ ટાળી શકાશે.
આ સાથે જ વાયરસનો ફેલાવો પણ અટકાવી શકાશે. જોકે હજુ આ ટેબ્લેટ ક્યારે ઉપલબ્ધ થશે એ વિશે તેઓ નિશ્ચિત નથી. તેમણે ઉમેર્યું હતુ કે, જે લોકો ઈન્જેક્શન લેવા નથી માગતાં અને જ્યાં રસી ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યાં લોકોને આ ટેબ્લેટ મોલનુપિરાવિરને મોકલી અપાશે.