હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે ગુજરાત પેવેલિયનમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના એક્ઝિબિશન સ્ટોલમાં વિવિધ મહાનુભાવો મુલાકાત લઈ રહ્યા છે.
આ અંગે NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને NFSU દ્વારા શૈક્ષણિક-સંશોધન-ટ્રેનિંગ અને કન્સલ્ટન્સી અંગે ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ડૉ. જે.એમ. વ્યાસે વડાપ્રધાનને NFSUના અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વદેશી બનાવટના વિવિધ સંરક્ષણ ઉત્પાદનો-ઉપકરણો અંગે પણ વિગતો આપી હતી. જે “આત્મનિર્ભર ભારત”ના સૂત્રને ચરિતાર્થ કરે છે.
ઉલ્લેખનીય છે કે NFSUના એક્ઝિબિશન સ્ટોલમાં વિવિધ ડિફેન્સ ટેક્નોલોજી, સોલ્યુશન્સ અને ક્ષમતા દર્શાવતા ઉપકરણો-ઉત્પાદનોનું નિદર્શન પણ કરવામાં આવ્યું છે.
અનેક મહાનુભાવોએ NFSUની મુલાકાત લીધી હતી. જેમાં યુગાન્ડાના સંરક્ષણ રાજ્ય મંત્રી, હજ્જત ઓલેરુ હુડા એબેસન; મેજર સેમસન ઓકેલો (લશ્કરી સહાયક); નવી દિલ્હી સ્થિત યુગાન્ડાના ડેપ્યુટી હાઇ કમિશનર ક્યોગીરે અને વિદેશ મંત્રાલય-ભારત સરકારના ઉપસચિવ પ્રકાશ શેલત કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસને મળ્યા હતા.
તેઓએ સાયબર ડિફેન્સ સેન્ટર (CDC); સેન્ટર ફોર ફ્યુચરિસ્ટિક ડિફેન્સ સ્ટડીઝ (CFDS); સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજી અને ફોરેન્સિક સાયકોલોજી લેબોરેટરી; બેલિસ્ટિક્સ સંશોધન અને પરીક્ષણ કેન્દ્ર (BRTC)ની મુલાકાત લીધી હતી. તેઓ વિશ્વની સૌપ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા હતા.
વધુમાં, ભારતીય સેનાના મેજર જનરલ અજય સેઠી અને બ્રિગેડિયર સુનિલ ઉપાધ્યાયે NFSU કેમ્પસની મુલાકાત લીધી હતી. તેઓએ દ્વિપક્ષીય સહયોગ માટેના ક્ષેત્રમાં કાર્ય કરવા માટે રસ દાખવ્યો હતો. આ ઉપરાંત, IIT-મદ્રાસના પ્રો. મૂર્તિ અને આર એડમિરલ એ. જ્યોર્જે NFSUની મુલાકાત લીધી હતી. તેઓ NFSUના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસને મળ્યા હતા. તેઓ ભાવિ દ્વિ-પક્ષીય સહયોગ અંગે વાતચીત કરી હતી. સાથે જ બંને પ્રોફેસરોએ NFSUની ટીમને IIT-મદ્રાસ અને રિસર્ચ પાર્કની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું.