૨૦૧૬માં બિહારના ગોપાલગંજમાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત થવાન ઘટનામાં દોષી ઠરેલા નવ જણાને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જયારે ચાર મહિલાને જન્મટીપ કરાઈ છે. ગોપાલગંજની કોર્ટે લઠ્ઠાકાંડ કેસમાં ચુકાદો આપતા આરોપી સામે સખત કાર્યવાહી થયાનો અહેસાસ બિહારની જનતાએ કર્યો છે. બિહારના ગોપાલગંજમાં ૨૦૧૬માં લઠ્ઠાકાંડ સર્જાતા ૧૯ લોકોનાં મોત થયા હતા. આ સમયે આડઅસરથી છ જણાની આંખની રોશની છીનવાઈ ગઈ હતી. ઘટના બાદ પોલીસે હરકતમા આવીને આરોપી સામે ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી. દરમિયાન ગોપાલગંજની કોર્ટમાં આ કેસની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ હતી. કોર્ટે લઠ્ઠાકાંડના નવ આરોપીને 19 લોકોના મોત માટે જવાબદાર માન્યા હતા. સાથે જ નવ ગુનેગારોને ફાંસીની સજા ફટકારી હતી.
કોર્ટે આ કેસમાં સામેલ ચાર મહિલાને પણ દોષી માની હતી. તેથી તેઓને આજીવન કારાવાસની સજા ફટકારતો આદેશ કર્યો હતો. ૨૦૧૬માં બિહારના ગોપાલગંજ વિસ્તારમાં ઝેરી દારૃ પીવાથી ૧૯નાં મોત અને છ લોકો આજીવન વિકલાંગ બની જવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. ગોપાલગંજમાં ૨૦૧૬માં થયેલો આ લઠ્ઠાકાંડ ખજુરબાની કાંડના નામે બિહારમાં જાણીતો થયો હતો. આ લઠ્ઠાકાંડનો ભોગ બનેલા પીડિતોના પરિવારની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. ઝેરી દારૃ પીવાથી દેખાતું બંધ થયું હોવાથી છ પીડિતોનું જીવન એકાએક બદલાઈ ગયું હતું. આ ઘટના બાદ પોલીસે ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. ગોપાલગંજની કોર્ટ નંબર બેમાં ચાલેકા આ કેસમાં કોર્ટે ફરિયાદ પક્ષની દલીલો તથા પોલીસે રજૂ કરેલા પુરાવાને આધારે ચુકાદો આપ્યો હતો. જો કે, કોર્ટ કાર્યવાહી દરમિયાન ૧૪ પૈકી એક આરોપીનું અવસાન થઈ ગયું હતુ. એટલે ૧૩ આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટના ચુકાદા બાદ તરત જ કોર્ટ પરિસરમાં આરોપીના પરિવારના સભ્યોએ રડારોડ કરી મુકી હતી. જે આરોપીઓને ફાંસીની સજા થઈ છે તેના પરિજનોએ ભારે આક્રંદ કરતા પરિસરમાં ગમગીન વાતાવરણ થઈ ગયું હતુ.