ભારતનો ભાગેડુ નીરવ મોદી બ્રિટનમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ તેના પ્રત્યાર્પણની અપીલ કરવાનો કેસ હારી ગયો છે અને આ સાથે તેના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ મહદઅંશે સાફ થઈ ગયો છે. નીરવ મોદી પાસે હવે યુકેમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી. ગયા મહિને, નીરવ મોદીએ યુકેની સુપ્રીમ કોર્ટમાં ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની પરવાનગી માટે યુકે હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી.
51 વર્ષીય હીરાના વેપારીએ માનસિક સ્વાસ્થ્યના આધારે પ્રત્યાર્પણ સામે અપીલ કરી હતી, પરંતુ તે કેસ હારી ગયો હતો. કોર્ટે નીરવ મોદીને કહ્યું હતું કે, તેની આત્મહત્યાનું જોખમ એવું નથી કે તેને મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપોનો સામનો કરવા માટે ભારતમાં પ્રત્યાર્પણ કરવું કાં તો અન્યાયી અથવા દમનકારી હશે.
27 ફેબ્રુઆરી, 1971ના રોજ ગુજરાતના પાલનપુરમાં જન્મેલા નીરવ મોદી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. હીરાના વેપારી નીરવ મોદીએ જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે તેના કાકા મેહુલ ચોક્સી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. મેહુલ ચોક્સી પર છેતરપિંડી અને કૌભાંડનો પણ આરોપ છે અને ભારતીય તપાસ એજન્સીઓ પણ તેને શોધી રહી છે. હાલમાં મેહુલે એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી છે.
નીરવ મોદીની માર્ચ 2019માં લંડનથી ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે અને તે પ્રત્યાર્પણ અંગેનો કેસ હારી ચૂક્યો છે અને હવે હાર બાદ તેના માટે ભારત આવવાનો રસ્તો એકદમ સાફ થઈ ગયો છે. પંજાબ નેશનલ બેંકે ફેબ્રુઆરી 2018માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને ફરિયાદ કરી હતી, જેમાં બેંકે કહ્યું હતું કે નીરવ મોદી અને તેના સહયોગીઓએ પંજાબ નેશનલ બેંક સાથે 28000 કરોડની છેતરપિંડી કરી હતી.