મુંબઈના સાકીનાકા વિસ્તારમાં બળાત્કારનો ભોગ બનેલી પીડિતાનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. 32 વર્ષીય બળાત્કાર પીડિતાને રાજાવાડી હોસ્પિટલ ઘાટકોપરમાં સારવાર આપવામાં આવી રહી હતી. હોસ્પિટલ પ્રશાસને પણ પીડિતાના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના મુંબઈના સાકી નાકા વિસ્તારમાં બની હતી. અહીંના ખૈરાની રોડ પર 32 વર્ષીય મહિલા પર પ્રથમ બળાત્કાર કરવામાં આવ્યો હતો અને બળાત્કાર બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. મહિલાને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
મહિલાની હાલત અત્યંત ગંભીર હતી. તે વેન્ટિલેટર પર હતી. શનિવારે મુંબઈના મેયર રાજાવાડી હોસ્પિટલ ઘાટકોપર પહોંચ્યા અને પીડિતાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. ઘટનાના ફૂટેજ પણ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે આરોપીએ મહિલા પર બળાત્કાર કર્યા બાદ તેની સાથે ખરાબ રીતે હુમલો કર્યો. તેમજ લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. આ પછી તેણે મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘણી વખત નાખ્યો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મહિલાને ટેમ્પોમાં બેસાડી નાસી ગયા હતા. 15 મિનિટ પછી ત્યાંથી પસાર થઈ રહેલા કોઈએ મહિલાને લોહીથી લથપથ બેભાન અવસ્થામાં જોઈ. આ પછી તેણે મુંબઈ પોલીસને ફોન કર્યો. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ આરોપીઓ સામે ખૂબ મહત્વના પુરાવા છે.