ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. આમ તો લોકડાઉનને કારણે જ સૌરાષ્ટ્રમાં હજારો પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. ત્યાં હવે વાવઝોડાએ પડતા પર પાટુ જેવો ઘાટ સર્જ્યો છે. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રના નીતિન જાની બોલીવુડના કલાકાર સોનુ સુદની જેમ જરૃરિયાતમંદોની સેવાના કાર્યોમાં જોતરાયા છે. 3 મહિનાથી નીતિન જાની પોતાની ટીમ બનાવીને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંની જરૃરિયાતોને સમજી રહ્યા છે. નીતીન જાનીએ અત્યાર સુધીમાં પોતાના જ એક કરોડ રૃપિયા જેવી રકમ જરૃરિયાતમંદો માટે વાપરી નીંખી છે. નીતિન જાનીના સેવા કાર્યોને કારણે જ હવે ગુજરાતમાં તેની ઓળખ બોલીવુડના કલાકાર એવી સોનુ સુદ તરીકે થઈ રહી છે. હાલમાં તેનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. ખજૂરભાઈ સાથે થયેલી વાતચીતને સાંભળ્યા બાદ સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ રહ્યું છે.
આ ઓડિયોમાં થયેલી વાતચીત મુજબ ખજૂરભાઈ અને તેમના ભાઈ હાલ સૌરાષ્ટ્રમાં જરૃરિયાતમંદોની મદદ કરી રહ્યા છે. દરમિયાન એકભાઈએ પોતાના દિકરાના શિક્ષણ માટે ખજૂરભાઈને ફોન કર્યો અને આર્થિક સમસ્યા જણાવતા કહ્યું હતુ કે, મારો દીકરો ધો. 10માં સારા માર્કસ સાથે ઉર્તીણ થઈ ગયો છે. પરંતુ હવે મારી પાસે તેને ધો.11માં પ્રવેશ અપાવવા જેટલા પણ પૈસા રહ્યા નથી. આ બધુ લોકડાઉન અને વાવાઝોડાને કારણે થયું છે. હાલ ખજૂરભાઈ તમે અમને મદદ કરશો તો હું ભવિષ્યમાં તે રકમ પરત કરી દઈશ. એક પિતાની વાત સાંભળીને ખજૂરભાઈ એટલે કે નીતીન જાનીએ તેમને કહ્યું કે, જરાય ચિંતા કરશો નહીં. મારી પાસે માતાજીએ આપેલું ઘણું બધુ છે. હું તમારા દીકરાની ધો.11-12 અને કોલેજ સુધીની ફીનો ખર્ચ ઉઠાવી લઈશ. પરંતુ તમારી સગવડ થાય તે સમયે તમારે મને નહીં પરંતુ બીજી કોઈ જરૃરિયાતમંદને મદદ કરવી. નીતીનભાઈની આ વાત સાંભળીને એક પિતા ફરી ગદગદ થઈ ગયા અને તેણે નીતિનભાઈનો આભાર માન્યો હતો.