ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજનના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભારણા કરતા કહ્યું હતું કે કોઇ મને પુછે કે નરેન્દ્રભાઇના ઉત્તમ કાર્યો ગણાવો તો ચોક્કસ હું સૌ પ્રથમ નર્મદા યોજનાને મુકું. નર્મદા યોજનીની જેમ સરકારની બીજી વિવિધ સિંચાઇ યોજના અને જળસંચય યોજનાને કારણે રાજ્યમાં હવે જળ સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને તેને લીધે ગુજરાતની ગ્રામ્ય અર્થતંત્રની કાયાપલટ થવા પામી છે. નીતિન પટેલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંચાલન મંડળને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, નવી ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ 11 વીધામાં આકાર પામી રહી છે જેના કારણે ખેડૂતોને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. આ સહકારી વ્યવસ્થાને કારણે ખેડૂતોને સારો ભાવ મળી રહે અને સાચો તોલ થઇ રહ્યો છે, ખેડૂતોને તરત નાણા મળે છે જેને લીધે ગુજરાતનો ખેડૂત ખમીરવંતો બની રહ્યો છે.
નીતિન પટેલે કહ્યું કે, હું છેલ્લા 37 વર્ષથી કડી માર્કેટયાર્ડનો સભ્ય હોવાને કારણે ખેડૂતોની સમસ્યાને સારી રીતે જાણું છું. વિરમગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગુજરાતની સૈૌથી જુની બજાર સમિતિ પૈકી છે અને તેના પ્રગતિનો મને આનંદ છે. આ સાથે જ નીતિન પટેલે અહીં ખેડૂતો માટે નવા રોડની મંજૂરી પણ આપી છે જેથી માલ સરળતાથી સમિતિ સુધી પહોંચી શકે.