ભારતમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કે ફોન દ્વારા યુવતીઓ અને મહિલાઓને પજવણી કરવાના કે તેને કોઈ રીતે શિકાર બનાવવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. જો કોઈ મહિલા કે યુવતીને કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા કે અન્ય કોઈ રીતે પરેશાન કરે છે તો હવે ઝાંઝી ચિંતા કરવાની આવશ્યકતા નથી. કારણ કે પોલીસે હવે આવા વ્યક્તિઓની શાન ઠેકાણે લાવવા નકકર આયોજન કરી નાંખ્યું છે. પીડિત મહિલા કે યુવતી એક ફોન કરશે તો પોલીસ તમારી મદદે પહોંચી જશે. સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરાયેલી આ નવી સુવિધાને આશ્વસ્થ અને વિશ્વાસ પ્રોજેક્ટ નામ અપાયું છે.
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2 હજારથી વધુ મહિલાઓને મદદ પહોંચાડવામાં આવી છે. જયારે આ પ્રકારના કિસ્સામાં કેટલાક આરોપીઓને પકડીને પાઠ ભણાવ્યા છે. કેટલાક વિકૃતો સોશિયલ મીડિયા દ્વારા જ રંજાડ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પારિવારિક દુશ્મની અથવા તો એક તરફી પ્રેમમાં આ પ્રકારના કૃત્યો કરાય છે. આથી પોલીસના સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા એન્ટી બુલિંગ યુનિટનો આરંભ કરાયો છે. આ યુનિટનો સંપર્ક એવી યુવતીઓ કે મહિલાઓ કરી શકે છે જેઓને કોઈ હેરાન કરી રહ્યો હોય. ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા આચરવામાં આવતા ગુનાઓ રોકવા સાથે મહિલાઓને મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે પોલીસે આ યુનિટ શરૃ કર્યું છે. યુનિટમાં એક મહિલા PSIની નિમણુંક કરાઈ છે.
આ યુનિટ દ્વારા અત્યાર સુધીમાં 2200 જેટલી મહિલાઓને મદદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા દ્વારા આચરવામાં આવતા ગુનામાં મહિલાઓને કેવી રીતે કાઉન્સિલિંગ કરવી તેની તાલીમ પણ પોલીસને આપવામાં આવી છે. કોઈ મહિલા આ પ્રકારના ગુનાનો ભોગ બને છે ત્યારે તે તરત જ 100 નંબર ડાયલ કરી શકે છે. નવ નિર્મિત જિલ્લામાં આ સુવિધા માટે 112 નંબર ડાયલ કરવાનો રહેશે.