રાજ્યમાં ગેરકાયદે રેત ખનનની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા દેશની સૌપ્રથમ અત્યાધુનિક વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના થકી રેત- માઈનિંગ ખનનની પળેપળની માહિતી રાખવાના પાયલોટ પ્રોજેક્ટનો અમદાવાદ બાદ રાજ્યના પાટનગર ગાંધીનગરથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને માટે જિલ્લાના 139 જેટલા લીઝધારકોનાં રજિસ્ટર વાહનોમાં GPS સિસ્ટમ ફિટ કરીને દરેક ગતિવિધિ પર બાજનજર રાખવામાં આવશે. હાલમાં 15 જેટલાં વાહનોમાં આ સિસ્ટમ ફિટ કરી ટ્રાયલ રન પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદે રેતીચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે રાજ્ય ખાણ ખનીજ વિભાગ દ્વારા મહત્ત્વની અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ નામની (VTMS)અત્યાધુનિક સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. આ અંગે ભૂસ્તર શાસ્ત્રી એન.એ. પટેલે જણાવ્યું હતું કે VTMS પાયલોટ પ્રોજેક્ટ માટે એકાદ વર્ષથી કવાયત ચાલી રહી હતી. પ્રારંભિક તબક્કામાં દરેક જિલ્લાના 15 જેટલાં વાહનોમાં સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેનું જિલ્લા કચેરી તેમજ સ્ટેટ લેવલના કંટ્રોલ રૂમથી સીધું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. રાજ્યમાં આશરે 8 હજાર વિવિધ પ્રકારની લીઝ આપવામાં આવી છે, જેમાં મુખ્ય ખનીજ લિગ્નાઈટ, લાઈમ સ્ટોન તેમજ બોક્ સાઈટની 430 જેટલી લીઝ છે. ઉપરાંત માઈનર મિનરલ ગણાતા રેતી, ડોલો માઈટ, માર્બલ તેમજ ગ્રેનાઈટ સહિતની ખનીજ સાડાસાત હજાર જેટલી લીઝ છે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમામ પ્રાઇમરી અને સેકન્ડરી લીઝહોલ્ડરોને ILMS પોર્ટલમાં જોડી દેવામાં આવ્યા છે, જેમાં માઈનિંગ લીઝ, ક્વોરી લીઝ, સ્ટોકધારક, ઉદ્યોગ નિર્માણ સાથે સંકળાયેલા લોકો, ખનન કરતાં વાહનો અને ઉપકરણો તેમજ વે બ્રિજધારક સહિતનાને આ પોર્ટલ સાથે જોડી દેવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલતી ગેરકાયદે ખનીજચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેમ છતાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રીતે રેત – માઈનિંગ ખનન અને વહન કરવામાં આવતું હતું, જેના ભાગરૂપે ખાણ ખનિજ વિભાગ દ્વારા રેત અને માઈનિંગ ખનનની કામગીરી વધુ પારદર્શક બનાવવા માટે VTMS સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ થકી રાજ્યમાં રજિસ્ટર લીઝધારકો દ્વારા કયા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં અને કેટલા વજનના ખનીજનું વહન કરવામાં આવે છે એની નાનામાં નાની માહિતી કચેરીના કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ ખબર પડી જશે. જો કોઈપણ લીઝધારક દ્વારા પરવાના સિવાય કે નિયત વજન કરતાં વધુ માત્રામાં રેત ખનન કે વહન કરવામાં આવ્યું હશે તો VTMSની બાજનજરથી બચી શકાશે નહીં.
ખાણ ખનીજ વિભાગમાં નોંધાયેલાં આશરે 90 હજાર વાહનોનું રજિસ્ટ્રેશન અને ટ્રેકિંગ VTMS સિસ્ટમ મારફત કરવામાં આવશે, જેના માટે સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે. નોંધણી બાદ GPRS થકી તમામ વાહનોનું ટ્રેકિંગ કરાશે. સિસ્ટમથી પેનલ્ટી ચોરી અને ગેરકાયદે ખનનને પણ અટકાવી શકાશે. આ અંગે ખાણ ખનિજ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ લગાવવાની ગતિવિધિ આઠેક માસ અગાઉ કરવામાં આવી હતી, પણ એ વખતે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું ન હતું, જેના માટે લીઝધારકોએ પણ VTMS સિસ્ટમનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ હવેથી રાજ્યના લીઝધારકોનાં વાહનોમાં VTMS સિસ્ટમ ફિટ કરવામાં આવી રહી છે. અમદાવાદ, આણંદ, ખેડા સહિત ગાંધીનગર મળીને આઠ જિલ્લામાં સિસ્ટમનો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો છે. હાલમાં તબક્કાવાર VTMS સિસ્ટમ વાહનોમાં ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે.
આ સિસ્ટમ થકી હવેથી રેત ખનન કરતાં વાહનો કયા રૂટ પરથી પસાર થઇ રહ્યાં છે અને એમાં કેટલી માત્રામાં ખનીજ ભરવામાં આવ્યું છે ે સહિતની દરેક ગતિવિધિની પળેપળની વિગતો મળતી રહેવાની છે, જેને કારણે રેત ખનનની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવી જશે. ગાંધીનગર જિલ્લામાં 139 લીઝ કાર્યરત છે. જેમના તમામ વાહનોમાં વ્હીકલ મોનિટરિંગ ટ્રેકિંગ સિસ્ટમ ફિટ આગામી દિવસોમાં કરી દેવામાં આવશે. હાલમાં ટ્રાયલ બેઝ પર 15 જેટલાં વાહનોમાં સિસ્ટમ ફિટ કરી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ સિસ્ટમ જેસીબી સહિતનાં ઉપકરણોમાં લગાવવામાં આવી રહ્યાં છે. ત્યારે કંટ્રોલ રૂમ મારફત અઠવાડિયા દરમિયાન કયા મશીનથી ખનન કેટલી માત્રામાં થયું તેમજ વાહન પણ કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં ખનીજ લઈને નીકળ્યું એનો દરેક ડેટા ઉપલબ્ધ થશે. ગુજરાતમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દ્વારા જાન્યુઆરી 2010થી આધુનિક ટેકનોલોજીથી કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય VTMS સિસ્ટમ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે.