ભારતમાં કોરનાથી અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત પહેલાં પાંચક્રમમાં છે. ગુજરાતમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી દવા, ઈન્જેકશન તથા બેડની સુવિધાની અછત છે. આ સાથે જ હવે દર્દીઓને રિપોર્ટ કઢાવવાથી માંડીને હોસ્પિટલમાં દાખલ કરવા સુધી એમ્બયુલન્સની જરૃરિયાત પણ વધી છે. કોરોનાને કારણે મૃતાંક વધ્યો હોવાથી કેટલાક મોટા શહેરોમાં એમ્બ્યુલન્સને શબવાહીની તરીકે ઉપયોગમાં લેવાઈ રહી છે. રાજયમાં મોટા શહેરોમાં હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા જગ્યા પણ રહી નથી. અનેક દર્દીઓને હોમકવોરાન્ટાઈન પણ કરવામાં આવી રહ્યા છે. તેથી એમ્બ્યુલન્સની તંગી પણ વર્તાવા માંડી છે. 108, સરકારી એમ્બ્યુલન્સ, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સતત 24 કલાક દર્દીને લાવવા તથા લઈ જવા માટે દોડાદોડ કરે છે. અત્યારની સ્થિતિ એવી છે કે, આવા વાહનો માટે પણ 24 કલાકથી વધુનું વેઈટિંગ છે.
જેથી કોરોના દર્દીઓને હોસ્પિટલ અથવા લેબ સુધી જવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. દરમિયાન સામાજીક કાર્યનો ઉદ્દેશ્ય રાખતી યુવતીએ પોતાના ગ્રુપ સાથે મળીને સામાજિક સેવાનું બીડુ ઝડપ્યું છે. અમદાવાદની આ યુવતીનું નામ રિચા પાઠક છે. છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક કાર્યોમાં રસ દાખવતી આ યુવતીએ હવે કોરોનાના દર્દીઓ માટે ઓટો રિક્ષાની સેવા આપવાનું શરૂ કર્યું છે. આ સુવિધાથી દર્દીઓને સેવા મળવા સાથે રિક્ષાચાલકને રોજગારી પણ મળશે. રિચા કહે છે કે, કોરોના દર્દીઓને હોસ્પિટલ જવા કે શંકાસ્પદને લેબ જવામાં મદદ મળશે. સ્લમ વિસ્તારના બાળકો અને ત્યાંના લોકો માટે ખાસ આ સુવિધા છે. રિચાએ પોતાના ગ્રુપ સાથે મળીને ઓટો રિક્ષાની સેવા કોરોનાના દર્દીઓને આપી શકાય તેવો વિચાર કર્યો હતો. જે બાદ આઇટી ક્ષેત્ર સાથે જોડાયેલા સુકેતુ મોદીએ એક એપ્લીકેશન તૈયાર કરી હતી. જે કેબ સર્વિસની જેમ કામ કરશે. ફોર્મમાં દર્દીને પોતાની વિગત ભરવાની રહેશે.
જે બાદ દર્દીને રિક્ષાચાલકનો નંબર પહોંચશે. તે પછી રિક્ષા ચાલક દર્દીને ઘરેથી હોસ્પિટલ કે લેબ લઈ જશે. શરૂઆતના દિવસે ટ્રાયલ રનમાં તેને સફળતા મળતા આ સેવા ખુલ્લી મુકાઈ છે. દર્દી કે તેના સગાએ સુવિધા મેળવવા સૌ પ્રથમ ગૂગલ પર just 100 નામે વેબસાઇટ અથવા QR કોડ અથવા લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવું પડશે. જે બાદ રિક્ષાચાલકનો સંપર્ક થશે. સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી રિક્ષા સેવા આપવામાં આવે છે. 3 દિવસથી રિક્ષા સેવા શરૂ કરવામાં આવી છે. પહેલાં 2 દિવસ 3 રિક્ષા જ હતી અને આજે બીજી 2 રિક્ષા સેવામાં જોડાઈ છે. પહેલાં 2 દિવસમાં 70થી વધુ ઇન્કવાયરી આવી હતી. જેમાંથી 50થી વધુ દર્દીઓને મદદ પહોંચાડવામાં સફળતા મળી છે. શનિવારે ત્રીજા દિવસે સવારથી જ આખા દિવસ માટેનું બુકિંગ ફૂલ થઇ ગયું હતુ. હાલ 5 રિક્ષા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ફરે છે. આગામી દિવસમાં વધુ રિક્ષા જોડવા સાથે દર્દીઓને વધુ લાભ અપાશે તેવી આશા રિચા પાઠક રાખી રહી છે.