સુરત સહિત સમગ્ર ગુજરાતમાં એક મહિના કરતા પણ વધુ સમયથી કોરોના મહામારીની બીજી લહેરની ઘાતક અસર વર્તાઈ રહી છે. જયારે 20 દિવસથી સતત નોંધાતા કોરોનાના દર્દીઓમાં પણ ઉછાળો આવી રહ્યો છે. છેલ્લાં એક અઠવાડિયામા આ આંકડો સરેરાશ 3 હજારની આસપાસ નોંધાયો છે. આવા સંજોગોમાં દર્દીઓને સારવાર આપવા માટે સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં સ્ટાફની અછત પડી રહી છે. તેથી કોરોનાના દર્દીઓને યોગ્ય રીતે સારવાર આપવા સાથે સ્ટાફની અછત દૂર કરવા માટે સિવિલ તંત્ર અને ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા કવાયત થઈ રહી છે. આજે ગુજરાતના ચાર મોટા શહેરોમાં હોસ્પિટલમાં અને કલિનીકમાં અધધ કહી શકાય તેવી સંખ્યામાં નોકરીની જગ્યા ખાલી પડી છે. આ જગ્યા પર ભરતી કરવા માટે તંત્ર અને ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા ઊંચા પગાર સાથે ઓફોરો આપવામાં આવી રહી છે. કિન્તુ કોરોનાના સંકટ વચ્ચે નોકરી કરવા કરતા ઉમેદવારો ઓછા પગારમાં બીજે નોકરી કરવાનું પસંદ કરી રહ્યા છે.
લાખોના પગારની ઓફર છતાં નોકરી સ્વીકારવા કોઈ તૈયાર નથી. જેનું કારણ હાલ ચાલી રહેલી કોવીડની મહામારી છે. મળતી વિગતો મુજબ સુરતમાં 20 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર માટે ભરતી કરવા ખાનગી હોસ્પિટલના સંચાલકે જાહેરાત આપી હતી. પરંતુ ઈન્ટરવ્યુના દિવસે માત્ર 4 જ ઉમેદવાર આવ્યા હતા. આ ઉપરાંત 400 નર્સિંગ સ્ટાફની જરૂર સામે માત્ર 10 ઉમેદવારો આવ્યા હતા. જયારે વર્ગ 4ની 600 જગ્યા માટે માત્ર 50 જ ઉમેદવારો ઈન્ટરવ્યૂમાં ફરક્યા હતા. સામાન્ય દિવસો કરતા અત્યારે લાખો રૂપિયાનો પગાર ચુકવવા સંચાલકો તૈયાર છે. છતાંયે ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે ફરકવા પણ તૈયાર નથી. આ બાબત સ્પષ્ટ કરે છે કે કોવિડની મહામારી સમયે કોઈ નોકરી સ્વીકારવા તૈયાર નથી. બીજી તરફ સ્ટાફની અછતને કારણે કોવિડના દર્દીને સારવાર આપવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં નર્સિંગ કર્મચારીઓ, વર્ગ-4ના 600 કર્મચારીઓ સહિત કન્સલ્ટન્ટ ડૉક્ટરોને 2.50 લાખ સુધી પગાર ચુકવવાની જાહેરાતો કરાઈ છે. જયારે MOની એક જગ્યા માટે 1.25 લાખનો પગાર આપવા તૈયારી દાખવાઈ છે. પરંતુ ઉમેદવારો આવી રહ્યા નથી.