ગુરૂવારે દક્ષિણ ગુજરાતના કપરાડા અને ડાંગ જેવા અંતરિયાળના વિસ્તારમાં માવઠું પડ્યું હતુ. આ ઉપરાંત કેટલાક સ્થળોએ કરા પડ્યાના અહેવાલો પણ મળ્યા હતા. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયાં છે. જો કે, દ. ગુજરાત ઉપરાંત મધ્યગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. દાહોદના કતવારા ગામ અને કાલોલ તાલુકાના કેટલાક ગામોમાં ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે પછી માવઠું થવા સાથે બરફના કરાં પડયા હતા. પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં માવઠું થતાં પાકને અસર થઈ હતી.
તેથી ખેડૂતોની ચિંતા વધી છે. ડેડિયાપાડા, છોટાઉદેપુરના નસવાડીમાં માવઠા સાથે ડુંગર વિસ્તારમાં ૨૦થી ૨૫ મિનિટ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો. અરણાઇ, કુંડા, નળીમધની, ધામણી, વેરીભવાડા, પેંધા, મેધા, માતુનિયા, દાબખલ, નાંદગામ, સુથારપાડા તથા કપરાડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ થયો હતો. ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે ડાંગના આહવા સહિત ભીસ્યા, પાંડવા, તેમજ બોરખલ, લિંગા, ગલકુંડ, જાખાના, સામગહાન, નડગચોડ, બરડા, દગુનિયા, માનમોડી વિસ્તારમાં અહીં પણ માવઠા સાથે કરાં પડયાં હતા. માવઠાના પગલે કેરીના પાકને અસર થવાની ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. કારણ કે આ માવઠાથી કેરીના પાકને મોટું નુકસાન થયું છે તેવું જાણકારો માની રહ્યા છે. વરસાદને પગલે આ વિસ્તારના ગામોમાં હાલમાં તૈયાર થયેલા ઘઉં, મકાઈ, એરંડા, કપાસ, તુવર જેવા ઉભા રવિપાકોને નુકસાન થયું છે. ઠંડીનું જોર ઘટાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હોવાનુ અનુમાન છે. શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી છે. માવઠા સાથે સાથે આ વિસ્તારમાં પ્રતિ કલાકે ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.